
વિશ્વમાં વધુ એક નવા યુદ્ધના ભણકારા! ચીને તાઇવાનની સરહદે તહેનાત કર્યા ઘાતક હથિયાર સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે ૨૦૦થી વધુ આવા ડ્રોન જાેવા મળ્યા હતા ચીન હવે તાઇવાન પર કબજાે મેળવવા માટે પોતાની સૈન્ય વ્યૂહનીતિને એક નવા અને અત્યંત ખતરનાક સ્તર પર લઈ જતું જાેવા મળી રહ્યું છે.
મિશેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરોસ્પેસ સ્ટડીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીને તાઇવાન સ્ટ્રેટની નજીક આવેલા તેના ૬ મહત્ત્વના એરબેઝ પર જૂના થઈ ગયેલા સુપરસોનિક ફાઇટર જેટ્સને આધુનિક એટેક ડ્રોનમાં ફેરવીને તહેનાત કરી દીધા છે. સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે ૨૦૦થી વધુ આવા ડ્રોન જાેવા મળ્યા છે, જે વાસ્તવમાં ૧૯૬૦ના દાયકાના J-6 ફાઇટર જેટ્સ છે. આ વિમાનોને હવે સુસાઇડ એટેક ડ્રોન અથવા ક્રૂઝ મિસાઇલ તરીકે વાપરી શકાય તે રીતે મોડિફાય કરવામાં આવ્યા છે.
ચીનની આ રણનીતિ પાછળ એક મોટું ગણિત છે. નિષ્ણાતોના મતે, યુદ્ધના પ્રથમ તબક્કામાં ચીન એકસાથે સેંકડો ડ્રોન છોડશે, જેને સ્વાર્મ એટેક(ઝુંડમાં હુમલો) કહેવામાં આવે છે. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય તાઇવાનની એર ડિફેન્સ સિસ્ટમને નબળી પાડવાનો છે. તાઇવાન માટે આ એક મોટી મુસીબત સાબિત થઈ શકે છે, કારણ કે ચીનના આ સસ્તા ડ્રોનને તોડી પાડવા માટે તાઇવાને પોતાની અત્યંત મોંઘી મિસાઇલોનો ઉપયોગ કરવો પડશે. એકવાર તાઇવાનનો દારૂગોળો અને ડિફેન્સ સિસ્ટમ આ ડ્રોનને રોકવામાં વ્યસ્ત થઈ જાય, ત્યારબાદ ચીન પોતાની અત્યાધુનિક મિસાઇલો અને ફાઇટર જેટ્સથી મુખ્ય હુમલો કરી શકે છે.
ચીન અત્યારે વિશ્વમાં કોમર્શિયલ ડ્રોન બનાવવામાં સૌથી આગળ છે અને હવે તે આ ક્ષમતાનો ઉપયોગ સૈન્ય શક્તિ વધારવા માટે કરી રહ્યું છે. જાેકે, અમેરિકન ઇન્ટેલિજન્સનું માનવું છે કે ચીન કદાચ ૨૦૨૭ સુધીમાં તાઇવાન પર હુમલો કરવાની ક્ષમતા મેળવી લેશે, પરંતુ હાલમાં આક્રમણની કોઈ તાત્કાલિક યોજના સ્પષ્ટ દેખાતી નથી. બીજી તરફ, તાઇવાન પણ આ ખતરાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને ચીનના આ ડ્રોન હુમલાઓને રોકવા માટે નવી પેઢીની એન્ટી-ડ્રોન સિસ્ટમ વસાવવાની તૈયારી કરી રહ્યું છે. આ બદલાતી સ્થિતિ સ્પષ્ટ કરે છે કે આધુનિક યુદ્ધ હવે માત્ર સૈનિકો વચ્ચે જ નહીં, પણ હજારોની સંખ્યામાં ઉડતા ડ્રોન અને મશીનો વચ્ચે લડાશે.





