
ફાયદા માટે થઈ રહ્યો છે મારા નામનો ઉપયોગ : સલમાન સલમાન ખાને ફિલ્મ કાલા હિરન: બેટલ ફોર લેગસીની રિલીઝ રોકવા માટે અરજી દાખલ કરી દિલ્હી હાઈકોર્ટ આ મામલે વચગાળાની રોક લગાવવાની અરજી પર ટૂંક સમયમાં સુનાવણી કરશે
બોલિવૂડ એક્ટર સલમાન ખાને કાલા હિરણ: બેટલ ફોર લીગેસી ની રિલીઝ પર રોક લગાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનો આક્ષેપ છે કે આ ફિલ્મ તેમના ૧૯૯૮ ના કાળિયાર શિકાર કેસ પર આધારિત છે. કોર્ટ આ મામલે વચગાળાની રોક લગાવવાની અરજી પર ટૂંક સમયમાં સુનાવણી કરશે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સલમાન ખાને દાવો કર્યો છે કે ફિલ્મના નિર્માતાઓએ તેમના જેવા દેખાતા કલાકારનો ઉપયોગ કર્યો છે. ફિલ્મના પ્રોમોમાં એક એવો વ્યક્તિ બતાવવામાં આવ્યો છે, જે તેમના જેવો લાગે છે અને તેણે સલમાન જેવું બ્રેસલેટ પણ પહેરેલું છે. સલમાન ખાનની અરજી મુજબ, મેકર્સ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે પરવાનગી વગર સલમાન ખાનના નામ અને તેમની ઇમેજનો સહારો લઈ રહ્યા છે, જે તેમના પબ્લિસિટી અને પર્સનાલિટી રાઇટ્સનું સીધું ઉલ્લંઘન છે.
સલમાન ખાને પોતાની અરજીમાં કહ્યું છે કે ફિલ્મની રિલીઝ તેમના વિરૂદ્ધ ચાલી રહેલી કાનૂની કાર્યવાહીને પ્રભાવિત કરી શકે છે અને તેમની પબ્લિક ઇમેજને નુકસાન પહોંચાડી શકે છે. આ જ કારણે તેમણે ફિલ્મના પ્રોડક્શન, પ્રમોશન, રિલીઝ અને સ્ટ્રીમિંગ પર રોક લગાવવાની માંગ કરી છે.
જણાવી દઈએ કે પ્રોડ્યુસર અમિત જાનીએ થોડા દિવસો પહેલા ફિલ્મ કાલા હિરણ ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાનના કાળિયાર શિકાર કેસ પર આધારિત છે. ફિલ્મના પહેલા પોસ્ટરમાં સલમાન હાથમાં બંદૂક તાકેલા જાેવા મળ્યા હતા. આ પછી સલમાન ખાને કાલા હિરણ ના મેકર્સને નોટિસ મોકલી હતી. તેમાં ફિલ્મના પ્રોડક્શન અને પ્રમોશનને રોકવાની માંગ કરવામાં આવી હતી. જાે કે, અમિત જાનીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ નોટિસનો જવાબ નહીં આપે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેઓ સલમાન ખાનની નોટિસ ફાડતા જાેવા મળ્યા હતા.
હવે મેકર્સે કાલા હિરણ નો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે, જેમાં એક એવો વ્યક્તિ બતાવવામાં આવ્યો છે, જે ભાઈજાન જેવો લાગે છે અને તેણે સલમાન ખાન જેવું બ્રેસલેટ પણ પહેરેલું છે. પ્રોમો રિલીઝ થતાં જ સલમાન ખાને હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ મામલાની સુનાવણી આજે (૧૨ જૂન) થશે.





