
પકડાઈ જતાં નાટક કરવા લાગી મુંબઈ એરપોર્ટ પર ૧૨ કરોડના હાઈક્વાલિટી ગાંજા સાથે મોડલ ઝડપાઈ ધરપકડ કરાયેલી આરોપી મહિલાનું નામ હર્ષા સની છે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ કસ્ટમની ટીમે ડ્રગ્સની એક મોટી ખેપ સાથે એક મોડલની ધરપકડ કરી છે. પકડાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે. એરપોર્ટ પર સેફ્ટી ચેકિંગ દરમિયાન જ્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ મોડલના સામાનની તલાશી લીધી તો તેમના હોશ ઉડી ગયા. કસ્ટમ વિભાગ પાસેથી મળેલી જાણકારી અનુસાર, ધરપકડ કરાયેલી આરોપી મહિલાનું નામ હર્ષા સની છે અને તે વ્યવસાયે એક મોડલ છે.
હર્ષા સની થાઈલેન્ડના બેન્કોકથી ફ્લાઈટ પકડી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. ગુપ્ત જાણકારી અને શંકાના આધારે જ્યારે કસ્ટમ્સની ટીમે તેને રોકી અને તેની પાસે રહેલા સામાનની ઝીણવટપૂર્વક તપાસ કરી તો તેની પાસેથી ભારે માત્રામાં હાઈ ક્વોલિટીનો ગાંજાે મળી આવ્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રગ્સની કુલ કિંમત ૧૨ કરોડ રૂપિયા છે. આટલી મોટી રકમના ડ્રગ્સ સાથે પકડાયા બાદ એરપોર્ટ પર હડકંપ મચી ગયો.
ડ્રગ્સ જપ્ત થયા બાદ તરત કસ્ટમ વિભાગની ટીમે મોડલ હર્ષા સોનીની ધરપકડ કરી લીધી અને તેની સાથે કડક પૂછપરછ શરુ કરી. પૂછપરછ દરમિયાન આરોપી મોડલે ખુદને નિર્દોષ ગણાવી અને એક અનોખી કહાની અધિકારીઓને સંભળાવવા લાગી. હર્ષાએ દાવો કર્યો કે જ્યારે તે મુસાફરી કરી રહી હતી, ત્યારે યાત્રા દરમિયાન એક અજાણ્યો યાત્રી તેના સંપર્કમાં આવ્યો. આ યાત્રી તેની સાથે ખૂબ જ સામાન્ય રીતે વાતચીત કરી રહ્યો હતો અને પછી થોડી વાર માટે તેની બેગ હર્ષાને આપી દીધી. મોડલનું કહેવું છે કે બેગ આપ્યા બાદ યાત્રી ક્યાંક અચાનક ગાયબ થઈ ગયો અને તે બેગમાં ડ્રગ છે, તેવી જાણકારી પણ તેને નહોતી.
જાે કે, કસ્ટમ વિભાગના અધિકારીઓને મોડલ હર્ષા સનીની આ કહાની પર જરાંયે વિશ્વાસ ન આવ્યો. અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે, આરોપી મોડલ આટલી મોટી કાર્યવાહી અને કડક પૂછપરછ તથા સજાથી બચવા માટે અલગ અલગ કહાનીઓ બનાવી રહી છે. બેન્કોકથી મુંબઈ સુધી આટલી મોટી કિંમતના ડ્રગ્સ લાવવા પાછળ કોઈ મોટું રેકેટ હોઈ શકે છે અને હર્ષા તેમાં ડાયરેક્ટ સંડોવાયેલી હોઈ શકે છે.
હાલમાં મુંબઈ કસ્ટમ વિભાગે ડ્રગ્સને જપ્ત કરી લીધું છે અને આરોપી મોડલની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસ અને કસ્ટમ વિભાગની ટીમ હવે આ વાતનો ખુલાસો શોધી રહી છે કે આ ડ્રગ્સની ડિલિવરી મુંબઈમાં કોને કરવાની હતી.





