ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ સાઈટ પર લોખંડનો સ્લેબ તૂટ્યો, ૧૫ શ્રમિકોને બચાવાયા ૧૨ શ્રમિક ઈજાગ્રસ્ત થયા હતા જેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે ૩ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા ગાંધીનગર શહેરના વ્યસ્ત કુડાસણ વિસ્તારમાં નવી બની રહેલી ‘બોસકી ધ એમ્પાયર’ નામની કોમર્શિયલ બાંધકામ સાઈટ પર બુધવારે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ એક ગંભીર દુર્ઘટના સજાર્ી હતી. અહીં બે યુનિટ વચ્ચે ઊભો કરવામાં આવી રહેલો લોખંડનો સ્લેબ અચાનક ધડાકાભેર નીચે તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. સવાર સુધીમાં તમામ ૧૫ શ્રમિકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. ૧૨ શ્રમિક ઈજાગ્રસ્ત થયા હતા જેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે ૩ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.બિલ્ડિંગમાં ચોથા માળે સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું તે સમયે તેનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું, ઘાયલ શ્રમિકોના દાવા મુજબ બિલ્ડિંગ નિર્માણમાં પ્રવીણ મેડા, શાહીલ અને યશ ચૌધરી નામના ત્રણ કોન્ટ્રાકટરો છે. જે ઘટના બની તે સમયે હાજર ન હતા તેવા આરોપ થઈ રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે આ સાઈટ પર આશરે ૧૫ જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ૫ થી વધુ ગાડીઓ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા કાટમાળ હટાવીને નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવાની યુદ્ધના ધોરણે કામગીરી ચલાવાઈ હતી.




