(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતના સારોલી ખાતેની શ્યામ સંગીની માર્કેટમાં ૪૦ કલાકે કાબૂમાં આવેલી એ આગે હવે ઘણા સવાલો ઉભા કર્યા છે. ત્યારે એક બાજુ સામે દિવાળીએ વેપારીઓએ માલના ઓર્ડરની કરેલી તૈયારી અને તૈયાર થયેલા માલનો કરાતો સ્ટોક એમ ધંધાના બંને પાસા ને ધ્યાનમાં લઈને વેપારીઓએ સ્ટોક કરેલા માલને તારીખ ૮ અને ૯ ની મધરાત્રે અજાણ્યા ઈસમે આગ લગાડેલી હતી. મોઢે માસ્ક ( રૂમાલ જેવું કપડું) બાંધીને રાત્રિના નવ વાગ્યાની આસપાસ શ્યામ સંગીની માર્કેટના છઠ્ઠા માળે કેમેરા થી લપાતો છુપાતો આ ઈસમ છુપાઈને બેસી રહ્યો હતો અને ત્યારબાદ મોડી રાત્રે 12: 50 ની આસપાસ કાપડના પાર્સલો ઉપર કોઈક જલદ પ્રવાહી નાંખી આગ લગાડીને માત્ર ૪ થી ૫ મિનિટ માં બહાર નીકળી રફુચક્કર થઇ ગયો હતો. જેને શોધવા પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે.
ત્યારે અહીં સવાલ એ થાય છે કે માર્કેટથી સંપૂર્ણ જાણકાર આ અજાણ્યો યુવક બાઇક ઉપર કડોદરા તરફથી આવ્યો હોવાનું કેમેરામાં દેખાય છે અને રાત્રે 9 વાગ્યે એ પહેલા માર્કેટમાં પ્રવેશી સીધો છઠ્ઠા માળે પહોંચી ગયો હતો અને ૧૨:૫૦ કલાકે આગ લગાડી ગણતરીની મિનિટોમાં બહાર નીકળી ગયો હતો. આ બધું કેમેરામાં કંડારાયેલું પરંતુ એ પહેલા સારોલી પોલીસને ફાયર બ્રિગેડે આગ લાગી નહીં હતી પણ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. જે શંકાના આધારે પોલીસે માર્કેટના સીસીટીવી ફૂટેજ ની તપાસ શરૂ કરતા ઉપરોક્ત તમામ ગતિવિધિ કરનાર અજાણ્યો શખ્સ કેમેરામાં દેખાઈ આવ્યો હતો. જેનાથી સ્પષ્ટ થયું હતું કે આગ લાગી નહીં હતી પરંતુ લગાડવામાં આવી હતી.
હવે આ આગ લગાડનાર અજાણ્યા શખ્સને કરોડોનું નુકસાન કરવાની જરૂર શું પડી? એને કોઈની સાથે દુશ્મની હતી? શું કોઈ અન્ય વેપારીએ એને મોકલીને અન્ય વેપારીઓને નુકસાન કરાવ્યું હતું? કે પછી કોઈ અન્ય કારણ હતું? આ તમામ રહસ્ય પરથી પડદો ત્યારે જ ખુલશે કે જ્યારે યુવાન પકડાશે અને પોલીસ જ્યારે સત્ય બહાર લાવશે ત્યારે..




