રસ્તા પર વિદ્યાર્થીઓ ઉભા હતા અચાનક ધસી આવી કાર; પાંચને મારી ટક્કર, વીડિયો વાયરલ ગ્રેટર નોઈડામાં ફુલ સ્પીડમાં આવેલી એક કારે રસ્તા પરથી પસાર થતા પાંચ જેટલા વિદ્યાર્થીને અડફેટે લીધા ગ્રેટર નોઈડામાં ભયાનક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં ફુલ સ્પીડમાં આવેલી એક કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા પાંચ જેટલા વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિદ્યાર્થીઓ રોડ પર ઊંધા માથે પટકાયા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
વિદ્યાર્થીઓને અડફેટે લીધા બાદ કારચાલક કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેના આધારે કારચાલકની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે. આ ઘટના બાદ આસપાસ હાજર લોકો તાત્કાલિક વિદ્યાર્થીઓની મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં નોલેજ પાર્ક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસ હવે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. સાથે જ વાયરલ વીડિયો પરથી કારનો નંબર અને ચાલકની ઓળખ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આરોપીને પકડવા માટે સંભવિત જગ્યાઓ પર દરોડા પણ શરૂ થયા છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવાશે અને અકસ્માતમાં વપરાયેલી કાર પણ કબજે કરવામાં આવશે.
નોલેજ પાર્ક શૈક્ષણિક વિસ્તાર છે. અહીં કોલેજાે અને યુનિવર્સિટીઓ આવેલી હોવાથી વિદ્યાર્થીઓનું આવન-જાવન સતત રહે છે. આવા વિસ્તારમાં ફાસ્ટ ગાડીઓ અને લાપરવાહીના કારણે અકસ્માતોની ફરિયાદો પહેલાં પણ ઊઠી છે. આ બનાવ પછી સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં રોડ સલામતીને લઈને ચિંતા વધી છે.




