આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારની વ્યવસ્થા પર આકરા પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે આ સરકાર છે કે સર્કસ? ગઈકાલે જ મારા ધ્યાનમાં એક ગંભીર વિષય આવ્યો છે કે જો આપણે આપણા પોતાના બાપ-દાદાની વારસાગત માલિકીના ખેતરમાં ખેતીવાડીનું વીજળી કનેક્શન કે મીટર લેવું હોય અને કોઈ સંજોગોમાં બાજુના ખેતરવાળો માણસ વાંધો ઉઠાવે, તો વીજ કંપનીઓ (DGVCL, MGVCL, PGVCL) આપણને ના પાડી દે છે કે બાજુવાળાએ લિખિતમાં વાંધો આપ્યો છે એટલે મીટર નહીં મળે. તેવી જ રીતે આપણા બાપ-દાદાની વારસાગત જમીનની માપણી કરાવવાની હોય, તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ્સ કે ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સના સર્વેયરો પણ એવું જ કહે છે કે બાજુવાળાની સંતોષકારક સંમતિ લઈને આવો. ખેતર આપણું, માલિકી આપણી અને કબજો આપણો હોવા છતાં બાજુવાળો સંમતિ ન આપે તો માપણી થતી નથી કે મીટર મળતું નથી.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આપણા બાપ-દાદાની માલિકીની જમીનમાં વારસાઈ એન્ટ્રીઓ પડાવવા, ખાતેદારોના ભાગ પાડવા કે જમીન વેચવા જઈએ ત્યારે પણ જો કોઈ વાંધો આપે તો મામલતદાર ના મંજૂર કરી દે છે. આટલું જ નહીં, પણ જો વીજ કંપનીઓને તમારા જ ખેતરમાં વીજળીનો થાંભલો નાખવો હોય તો તમારી પોતાની પણ સંમતિ લેવામાં આવતી નથી. ખેડૂત ના પાડે તો પણ પોલીસ ઓન-પેમેન્ટ મોકલીને, દંડા પછાડીને, ‘સરકારી ફરજમાં રુકાવટ’ના કેસ કરવાની ધમકીઓ આપીને જબરદસ્તી અને ગુંડાગીરીથી થાંભલા નાખી દેવામાં આવે છે. ખેડૂતને પોતાના જ ખેતરમાં પાણી કે મીટર જોઈતું હોય તો બાજુવાળાની મંજૂરી જોઈએ, પણ વીજ કંપનીએ થાંભલો નાખવો હોય તો ખેડૂતની અસંમતિ હોવા છતાં થાંભલો નખાઈ જાય છે. આ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી વ્યવસ્થા પર જરા વિચારવાની જરૂર છે.




