આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને સંગઠન મંત્રી ડૉ. કરન બારોટે મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયાને સંબોધન કરતા ‘આપ’ નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, સત્તામાં બેઠેલા લોકોની હંમેશાં એ કોશિશ રહી છે કે લોકોને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે અને કોઈપણ રીતે સત્તા ઉપર કબજો જમાવી રાખવામાં આવે. આના અનુસંધાને ગુજરાતમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીએ કોશિશ કરી છે કે સામા પક્ષે વિપક્ષમાંથી સરકાર સામે કોઈ અવાજ ન ઉઠાવે અને ગુજરાતમાં ડરનું વાતાવરણ ઊભું થાય. આ જ કાવતરાના ભાગરૂપે તેમણે વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટા કેસ કરી જેલમાં નાખવાના પ્રયાસો કર્યા છે. આપણી સામે આદિવાસી સમાજના યુવાન નેતા ચૈતરભાઈ વસાવાનું ઉદાહરણ છે, જેમણે આદિવાસી સમાજ અને વિસ્તાર માટે સતત સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે અને ન્યાય અપાવવા લડત લડી છે. એટલા માટે આજે તેમને જેલમાં રાખવાનું અને સજા કરાવવાનું કાવતરું ભાજપ કરી રહ્યું છે. ટૂંકમાં કહીએ તો, ભાજપ સામાન્ય માણસ, આદિવાસી, ખેડૂત, મજૂર, વેપારી અને વિદ્યાર્થી વિરોધી પાર્ટી છે. ભાજપનું કામ માત્ર પૈસા અને સત્તા મેળવવાનું જ રહ્યું છે, તેમણે જનતાના ઉદ્ધાર માટે કશું કામ કર્યું નથી. આવા ડરના વાતાવરણથી તેઓ સત્તા પર કબજો કરીને બેઠા છે, પણ આવી તાનાશાહી તાકાતો સામે કુદરત પણ નવી તાકાત અને નવા યુવાનો પેદા કરતી હોય છે. ચૈતર વસાવા ગુજરાત માટે એવી તાકાત છે, જેમણે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કર્યું છે. ગુજરાતના લોકો અને ખેડૂતોના ન્યાય માટે આજે એક મોટી પ્રતિભા ઊભરી આવી છે. આપણને સૌને ગર્વ છે કે ચૈતર વસાવા જેલમાં રહીને પણ ભાજપ સામે સંઘર્ષ કરી રહ્યા છે.
એટલા માટે આમ આદમી પાર્ટી, ચૈતરભાઈના સમર્થનમાં અને આદિવાસી વિસ્તારના લોકોને ન્યાય અપાવવા માટે આગામી ૨૪ તારીખથી ૩ નવેમ્બર સુધી સમગ્ર પૂર્વપટ્ટીના ૧૪ જિલ્લાઓ અને ૩૨ વિધાનસભાઓમાં ‘આદિવાસી ન્યાય યાત્રા’નું આયોજન કરવા જઈ રહી છે. આ યાત્રા ૨૪ તારીખે સવારે ઉમરગામથી શરૂ થઈ વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરૂચ સહિત તમામ પૂર્વપટ્ટીના જિલ્લાઓમાંથી પસાર થઈ ૩ તારીખે સવારે અંબાજી પહોંચશે અને એ જ દિવસે સાંજે અમદાવાદ/ગાંધીનગર ખાતે વિશાળ રાત્રિ મહાસભાનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન તમામ વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાવવાનું, લોકોને એકત્રિત અને સંગઠિત કરવાનું તેમજ ’ગુજરાત આ અન્યાય સહન નહીં કરે’ તેવો સંદેશ આપવાનું કામ કરીશું. ‘આપ’ કોર્ટમાં પણ કાનૂની લડાઈ પૂરી તાકાતથી લડી રહી છે અને અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ પર લાગેલા તમામ આરોપો જૂઠા સાબિત થશે. આ યાત્રાનું નેતૃત્વ ચૈતરભાઈનો પરિવાર કરશે અને ‘આપ’ની સમગ્ર લીડરશિપ સાથે રહેશે. ભાજપ પૈસાના જોરે વોટ અને નેતાઓ ખરીદવાની રણનીતિ અપનાવે છે, પણ જળ, જમીન અને જંગલના મૂળભૂત પ્રશ્નો ઉકેલતી નથી. જે આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ક્યારેય નથી ઝૂક્યો, તે ભાજપ સામે પણ ઝૂકશે નહીં અને આવનારી ચૂંટણીમાં ભાજપને બૂથ લેવલે હરાવશે. ગુજરાતની જનતાને અપીલ છે કે ચૈતર વસાવાને ન્યાય અપાવવાની આ લડાઈમાં સૌ સંગઠિત થઈને જોડાય.




