રાહુલ ગાંધીની દેશવાસીઓને અપીલ દેશની આત્મા બચાવવા સૌએ એક થવું પડશે : રાહુલ ગાંધી ૧ નવેમ્બરે દિલ્હીમાં રેલી, આ કોઈ એક પક્ષની લડાઈ નથી, લોકશાહી અને બંધારણ બચાવવાની લડાઈ છે
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આગામી ૧ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારી ‘ચલો દિલ્હી રામલીલા માર્ચ’માં મોટી સંખ્યામાં જાેડાવા દેશવાસીઓને અપીલ કરી છે. તેમણે ‘વોટ ચોરી’ના મુદ્દે યોજાનારી આ માર્ચને કોઈ એક રાજકીય પક્ષનો કાર્યક્રમ નહીં, પરંતુ લોકશાહી અને બંધારણની રક્ષા માટેનું રાષ્ટ્રીય આંદોલન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ વિવિધ વિચારધારા ધરાવતા નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓને પક્ષીય ભેદભાવથી ઉપર ઊઠીને આ અભિયાનમાં જાેડાવા હાકલ કરી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જાહેર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય મતોની કથિત ચોરી અટકાવવાનો અને લોકશાહીની રક્ષા કરવાનો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે પણ આ મુદ્દે આક્ષેપો કર્યા હતા.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે લોકશાહી અને બંધારણની રક્ષા કરવા માગતા તમામ લોકોએ આ માર્ચમાં જાેડાવું જાેઈએ. તેમના મતે, આ લડાઈ માત્ર કોંગ્રેસ કે કોઈ એક રાજકીય પક્ષ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવાની લડાઈ છે.
રાહુલ ગાંધીએ સંભવિત પોલીસ કાર્યવાહી અને લાઠીચાર્જની આશંકા વચ્ચે પણ આંદોલનકારીઓને હિંમત જાળવી રાખવા અપીલ કરી હતી. તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે લોકશાહી અને બંધારણની રક્ષા માટે સૌએ એકજૂથ થઈને આગળ આવવું જાેઈએ.
તેમણે વિવિધ રાજકીય વિચારધારા ધરાવતા વિદ્યાર્થી સંગઠનોને પણ આ માર્ચમાં જાેડાવાનું આમંત્રણ આપ્યું હતું. દેશના નાગરિકોને પોતાની અભિવ્યક્તિ અને વિચારો પર હુમલો થતો હોવાની લાગણી હોય, તો તેમણે પક્ષીય મતભેદો ભૂલીને લોકશાહીની રક્ષા માટે સાથે આવવું જાેઈએ તેવી અપીલ તેમણે કરી હતી.
દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી આ માર્ચ દ્વારા કોંગ્રેસ અને વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધન પોતાની એકતા અને રાજકીય તાકાત દર્શાવવાની તૈયારી કરી રહ્યાં છે. અહેવાલ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગઠબંધનના સાંસદો સાથે આ મુદ્દે બેઠકો યોજી રહ્યા છે. આ માર્ચ પહેલાં શુક્રવારે પ્રતીકાત્મક સંસદનું આયોજન કરવાની પણ યોજના છે. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે પ્રતીકાત્મક મહાભિયોગની કાર્યવાહી હાથ ધરવાની દરખાસ્ત છે. ત્યારબાદ ૧ નવેમ્બરે રામલીલા મેદાનમાં વિશાળ રેલી યોજાશે. ‘વોટ ચોરી’ના મુદ્દે વિપક્ષ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે હવે દિલ્હીની આ માર્ચ કેટલી અસરકારક સાબિત થાય છે અને તેમાં કેટલા લોકો જાેડાય છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.




