
શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ ડ્રગ્સ કેસ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં નિષ્ફળ, કોર્ટે ‘એ’ સમરી મંજૂર કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી ક્રાઇમ બ્રાન્ચે ૧.૧૨ કરોડનો ગાંજાે જપ્ત કર્યાે હતો શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ મળી આવવાના ચકચારી કેસમાં સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓના હાથ ખાલી રહ્યા છે. મહિનાઓ સુધી ચાલેલી તપાસ બાદ પણ ડ્રગ્સ મગાવનાર કે મોકલનારનો કોઈ પત્તો ન લાગતા આખરે સ્પે. એનડીપીએસ કોર્ટના જજ વી.બી.રાજપૂતે આ કેસમાં ‘છ’ સમરી (પડત સમરી) મંજૂર કરી છે. નોંધનીય છે કે, દેશમાં સૌથી વધુ આતંકવાદીઓને ઝડપી લેવામાં ઝાંબાઝ ક્રાઈમ બ્રાન્ચ આ ડ્રગ્સ કેસમાં આરોપીને શોધી શકી નથી! ૨૦૨૪માં શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ(આયાત)ના કસ્ટમ એક્ઝામિનેશન ખંડમાં ફરજ પરના કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટે તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન યુ.એસ., થાઇલેન્ડ અને કેનેડાથી પાર્સલ સર્વિસ દ્વારા મોકલવામાં આવેલા ૧૪ શંકાસ્પદ પાર્સલમાંથી વનસ્પતિજન્ય પદાર્થ અને કેસરી રંગનો ચીકણો બિનઅધિકૃત ગાંજાે મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા નશીલા પદાર્થમાં ૩ કિલો ૭૫૪ ગ્રામ ગાંજાે જેની બજાર કિંમત ૧,૧૨,૬૨,૦૦૦ હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ આરંભી હતી. આટલી મોટી માત્રામાં અને કરોડોની કિંમતનું ડ્રગ્સ વિદેશથી સીધું અમદાવાદના સરનામે પહોંચતું હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. નવાઈની વાત એ છે કે, પોલીસે તપાસ માટે તમામ આધુનિક સંસાધનોનો ઉપયોગ કરવાનો દાવો કર્યાે હતો. પોલીસના રિપોર્ટ મુજબ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ખાનગી બાતમીદારો અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જાેકે, મહિનાઓ સુધી ચાલેલી આ કવાયત અંતે ‘શૂન્ય’ સાબિત થઈ છે. પોલીસ ન તો ડ્રગ્સ મોકલનાર વિદેશી શખ્સો સુધી પહોંચી શકી છે, ન તો સ્થાનિક કક્ષાએ આ જથ્થો કોણે મગાવ્યો હતો તેની ઓળખ કરી શકી છે. એક કરોડથી વધુનું ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવે અને તેના મુખ્ય સૂત્રધારો પોલીસ પકડથી દૂર રહે, તે તપાસ એજન્સીઓની નબળી કડી અને મહિનાઓ સુધી ચાલેલી ઢીલી તપાસ તરફ આંગળી ચીંધે છે.આ મામલે તપાસ કરનાર અમલદારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યાે હતો કે, આરોપીઓ અંગે કોઈ ફળદાયક હકીકત મળી નથી અને નજીકના ભવિષ્યમાં આરોપીઓ મળે તેવી શક્યતા ઓછી છે. આ સંજાેગોમાં તપાસ ચાલુ રાખવાની શરતે કેસને પડતો મૂકવા વિનંતી કરવામાં આવી હતી. સ્પે. એન.ડી.પી.એસ. જજે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ ચાલુ તપાસની શરતે વર્ગ-અ પડત સમરી મંજૂર કરી છે. કોર્ટે તપાસ કરનાર અમલદારને જરૂરી દસ્તાવેજાે પરત કરી તપાસ ચાલુ રાખવા અને આ હુકમ અંગેની નોંધ લેવા જણાવ્યું છે.





