
CCTV ફૂટેજ બન્યું મહત્વપૂર્ણ પુરાવો દિલ્હીથી સુરતમાં હવાલા મારફતે કરોડો રૂપિયા આવ્યાની આશંકા છેલ્લા ચાર મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુની રકમ આંગડિયા નેટવર્ક મારફતે સુરતમાં પહોંચાડવામાં આવી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય ગરમાવો વધ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા હવાલા કાંડનો ભાંડાફોડ કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રાથમિક તપાસમાં દિલ્હીથી હવાલા મારફતે સુરતમાં કરોડો રૂપિયાની એન્ટ્રી થતી હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા ચાર મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુની રકમ આંગડિયા નેટવર્ક મારફતે સુરતમાં પહોંચાડવામાં આવી હતી. આ નાણાંનો ઉપયોગ શહેરમાં રાજકીય પ્રચાર, કાર્યકરોને સક્રિય કરવા અને ચૂંટણી માટે નેટવર્ક મજબૂત બનાવવા માટે થતો હોવાનો ખુલાસો થયો છે.
ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે, જે આ સમગ્ર નેટવર્કને સમજવામાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે સામે આવ્યા છે. આ ફૂટેજના આધારે પૈસાની અવરજવર અને સંકળાયેલા શખ્સોની ઓળખ કરવામાં આવી રહી છે. આ કેસમાં મહત્વપૂર્ણ કડી માનવામાં આવતા હિમાંશુ પાહુજાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જાેકે પૂછપરછ બાદ તેને મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસ સૂત્રો મુજબ તે હજુ પણ તપાસના ઘેરામાં છે અને તેની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.
તપાસમાં પીપલોદ વિસ્તારના બે શખ્સો – આકાશ મિશ્રા અને અજય તિવારી – હિમાંશુના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ બંને વ્યક્તિઓ હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં દિલ્હી અને સુરત વચ્ચે એક સુયોજિત હવાલા નેટવર્ક કાર્યરત હોવાનું બહાર આવ્યું છે. દર મહિને લાખો રૂપિયાની હવાલા એન્ટ્રી થતી હોવાનો ખુલાસો થયો છે, જે સીધા રાજકીય પ્રવૃત્તિઓમાં વપરાતા હોવાની શંકા છે.
આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ઇન્કમટેક્સ વિભાગને પણ માહિતી આપી છે. આવનારા દિવસોમાં આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે અને નાણાંનો સ્રોત શોધવાની દિશામાં કાર્યવાહી તેજ કરવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ કેસ માત્ર સ્થાનિક સ્તર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની કડીઓ મોટા રાજકીય માથાઓ સુધી પહોંચે તેવી શક્યતા છે. ટૂંક સમયમાં અનેક લોકોની પૂછપરછ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાંડના ખુલાસા બાદ સુરતની રાજકીય પરિસ્થિતિ વધુ તંગ બનવાની શક્યતા છે. હવે જાેવાનું રહ્યું કે આ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને કયા મોટા નામો સામે આવે છે.





