
વાહન ચાલકો માટે મોટા સમાચાર પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ બ્લૅન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ ર્નિણય હવે માત્ર ૯૫ RON વાળું E20 પેટ્રોલ જ વેચાશે કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું (૨૦% એથેનોલ મિશ્રિત) વેચાણ ફરજિયાત કરવાનો ર્નિણય કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલ કંપનીઓએ ૨૦% એથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે. સરકારે એથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક ૨૦૩૦થી ઘટાડીને ૨૦૨૫-૨૬ કર્યો હતો. જેને હવે પૂર્ણ રીતે અમલ લાવવામાં આવશે.
એન્જિનની સુરક્ષા માટે આ ઇંધણનો રિસર્ચ ઓક્ટેન નંબર (RON) ઓછામાં ઓછો ૯૫ નક્કી કરવામાં આવ્યો છે. RON એટલે ઇંધણની નોકિંગ (એન્જિનની અંદર સમય પહેલા વિસ્ફોટ થવો) રોકવાની ક્ષમતા દર્શાવે છે. જે પેટ્રોલનો RON નંબર જેટલો વધારે હશે, તે એન્જિનના દબાણને એટલી જ સરળતાથી સહન કરશે અને એન્જિન અવાજ કે ઝટકા વગર ચાલશે. હાલમાં સાધારણ પેટ્રોલ ૯૧ RONનું હોય છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલ (જેમ કે XP95) ૯૫ RONનું હોય છે. હવે બધું જ ઈ૨૦ પેટ્રોલ ૯૫ RONનું હશે.
નિષ્ણાતોના મતે, ૨૦૨૩ પછી બનેલા વાહનો E20 ઇંધણ મુજબ જ ડિઝાઇન થયેલા છે, પરંતુ જૂના વાહનોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. જેમાં મુખ્યત્વે જૂના વાહનોની ઇંધણ કાર્યક્ષમતામાં ૩%થી ૭%નો ઘટાડો થઈ શકે છે. લાંબા ગાળે જૂના એન્જિનના રબર અને પ્લાસ્ટિકના ભાગો ખરાબ થવાની શક્યતા છે.
૨૦૧૪-૧૫થી અત્યાર સુધીમાં એથેનોલ બ્લેન્ડિંગને કારણે ભારતે ૧.૪૦ લાખ કરોડ રૂપિયાથી વધુ વિદેશી ચલણ બચાવ્યું છે. આ ઉપરાંત એથેનોલ શેરડી, મકાઈ અને અનાજમાંથી બને છે, જેનાથી ખેડૂતોને અત્યાર સુધી ૨૧ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
એથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે જે સ્ટાર્ચ અને ખાંડના આથાથી બનાવવામાં આવે છે. જાે કે એથેનોલના પણ કેટલાક પ્રકાર છે. એથેનોલ કયા પદાર્થમાંથી બન્યું તેના આધારે તેના કેટલાક પ્રકાર પાડવામાં આવ્યા છે.
1G એથેનોલ: શેરડીનો રસ, સડેલા બટાકા અને મકાઈમાંથી બને છે.
2G એથેનોલ: ચોખાના ફોતરા, ઘઉંના ભૂસા અને વાંસ જેવા બાયોમાસમાંથી બને છે.
3G બાયોફ્યુઅલ: શેવાળ (Algae) માંથી બનાવવાની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.
E20 ઇંધણથી વાહનો ૩૫% ઓછો કાર્બન મોનોક્સાઇડ છોડે છે. નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બનનું ઉત્સર્જન પણ ઘટે છે. જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. આ ઉપરાંત નવા એન્જિનમાં એથેનોલ મિશ્રિત પેટ્રોલથી ચાલતી ગાડીઓ ઓછી ગરમ થાય છે કારણ કે આલ્કોહોલ ઝડપથી ઉડી જાય છે, જેનાથી એન્જિન ઠંડુ રહે છે. કાચા તેલની સરખામણીએ એથેનોલ સસ્તું હોવાથી ભવિષ્યમાં મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. જાે કે અત્યાર સુધી તો એથેનોલ બ્લેન્ડિંગ છતા પણ પેટ્રોલની કિંમતમાં કોઈ રાહત મળી શકી નથી.




