
મોહન ભાગવતનું મોટું નિવેદન.ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે, સંસદની મંજૂરીની જરૂર નથી.TMC નેતાના બાબરી મસ્જિદના નિવેદન પર સંઘ પ્રમુખનો વળતો પ્રહાર, કહ્યું સરકારના પૈસે મંદિરો ન બનવા જાેઈએ.કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે ‘હિન્દુ રાષ્ટ્ર‘ ની સંકલ્પના સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે તે એક શાશ્વત સત્ય છે, તેમ ભારત હિન્દુ રાષ્ટ્ર છે તે પણ સત્ય છે. આ માટે સંસદ કે બંધારણના સિક્કાની રાહ જાેવાની જરૂર નથી. આ ઉપરાંત, તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને પશ્ચિમ બંગાળની સુરક્ષા સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
આરએસએસના વડા મોહન ભાગવતે ફરી એકવાર રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વ્યાખ્યા આપીને દેશભરમાં નવી ચર્ચા જગાવી છે. તેમણે કોલકાતામાં વિવિધ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી, જેમાં હિન્દુ રાષ્ટ્ર, બાંગ્લાદેશ કટોકટી અને બાબરી મસ્જિદ વિવાદનો સમાવેશ થાય છે.
ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “પૂર્વમાં સૂર્ય ઉગે છે, તે ક્યારથી થઈ રહ્યું છે તે આપણે જાણતા નથી, પણ તે કુદરતી સત્ય છે. તેવી જ રીતે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે.” તેમણે ઉમેર્યું કે જે કોઈ વ્યક્તિ આ ભૂમિને પોતાની માતૃભૂમિ માને છે અને ભારતીય પૂર્વજાે તથા સંસ્કૃતિનું ગૌરવ કરે છે, તે હિન્દુ છે. ભલે સંસદ ક્યારેય બંધારણમાં સુધારો કરીને ‘હિન્દુ રાષ્ટ્ર‘ શબ્દ ઉમેરે કે ન ઉમેરે, તેનાથી વાસ્તવિકતા બદલાતી નથી. અમે હિન્દુ છીએ અને અમારો દેશ હિન્દુ રાષ્ટ્ર છે – આ સત્ય સ્વીકારવું જ પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જન્મ આધારિત જાતિ વ્યવસ્થા એ હિન્દુત્વની ઓળખ નથી.
પડોશી દેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરતા સંઘ પ્રમુખે કહ્યું કે, ત્યાં લઘુમતીઓની હાલત કફોડી છે. વિષમ પરિસ્થિતિઓમાં ત્યાંના હિન્દુઓએ પોતાની સુરક્ષા માટે સંગઠિત રહેવું પડશે. તેમણે કહ્યું કે, “વિશ્વભરના હિન્દુઓએ બાંગ્લાદેશી હિન્દુઓની મદદે આવવું જાેઈએ. ભારત જ હિન્દુઓ માટે એકમાત્ર આશ્રયસ્થાન છે, તેથી ભારત સરકારની જવાબદારી છે કે તેઓ આ દિશામાં નક્કર પગલાં લે.” તેમણે સંકેત આપ્યો કે સરકાર કદાચ પડદા પાછળ કામ કરી રહી હશે, કારણ કે કૂટનીતિમાં દરેક બાબત જાહેર કરવામાં આવતી નથી.
બાંગ્લાદેશમાં વધતા ઇસ્લામિક કટ્ટરવાદની સીધી અસર પશ્ચિમ બંગાળ પર પડી રહી છે. ભાગવતે ચેતવણી આપી હતી કે આ સ્થિતિ રાજ્યમાં સાંપ્રદાયિક સૌહાર્દ જાેખમાવી રહી છે. તેમણે કહ્યું કે જાે હિન્દુ સમાજ એક થશે તો બંગાળમાં પરિસ્થિતિ બદલાતા વાર નહીં લાગે. જાેકે, તેમણે સ્પષ્ટતા કરી કે સંઘનું કામ સત્તા પરિવર્તનનું નહીં, પરંતુ સામાજિક પરિવર્તનનું છે.
ટીએમસીના સસ્પેન્ડેડ નેતા હુમાયુ કબીર દ્વારા બાબરી મસ્જિદના પુનર્નિર્માણની વાતને ભાગવતે ‘વોટબેંકનું રાજકારણ‘ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ જૂના સંઘર્ષને ફરી ભડકાવવાનું રાજકીય કાવતરું છે, જે ન તો હિન્દુઓ કે ન તો મુસ્લિમોના હિતમાં છે. મહત્વની વાત કરતા તેમણે કહ્યું કે, “સરકારે ટેક્સના પૈસાથી મંદિરો કે અન્ય ધર્મસ્થળો ન બનાવવા જાેઈએ.” તેમણે સોમનાથ મંદિર અને રામ મંદિરનું ઉદાહરણ આપતા કહ્યું કે આ બંને સ્થળો ટ્રસ્ટ દ્વારા અને લોકોના ફાળાથી બન્યા છે, સરકારી તિજાેરીમાંથી નહીં.
પોતાના સંબોધનના અંતમાં તેમણે સંઘ મુસ્લિમ વિરોધી હોવાની ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું કે આરએસએસ પારદર્શક છે અને કોઈ પણ આવીને અમારું કામ જાેઈ શકે છે. અમે રાષ્ટ્રવાદી છીએ અને હિન્દુઓની સુરક્ષાની વાત કરીએ છીએ, તેનો અર્થ એ નથી કે અમે મુસ્લિમ વિરોધી છીએ. મુસ્લિમોએ સમજવું પડશે કે પૂજા પદ્ધતિ અલગ હોવા છતાં, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણે એક જ છીએ.




