
દિવાળી પર ભારતને જીત ન અપાવી શકી ટીમ ઈન્ડિયા — ઓસ્ટ્રેલિયાએ પહેલી ODI જીતી, કેપ્ટન માર્શની શાનદાર ઇનિંગ
વરસાદના વિઘ્નને કારણે આ મેચ હવે ૨૬ ઓવરની થતા ડકવર્થ લ્યુઈસ નિયમના આધારે ઓસી.ને ૧૩૧ રનનો લક્ષ્યાંક મળ્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની પહેલી મેચ રવિવાર, ૧૯ ઓક્ટોબરના રોજ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ૭ વિકેટથી જીત થઈ છે. ભારત માટે આ સીરિઝની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી.
આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. અક્ષર પટેલ અને કે.એલ. રાહુલ બાદ નીતિશ રેડ્ડીએ દમદાર બેટિંગ કરતા છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને ૧૩૬ રનના સ્કોર સુધી પહોંચાડી હતી. માત્ર ૨૧ રનના સ્કોર પર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવી મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી.
વરસાદના વિઘ્નને કારણે આ મેચ હવે ૨૬ ઓવરની થઇ જવાને કારણે ડકવર્થ લ્યુઈસ નિયમના આધારે ઓસ્ટ્રેલિયાને ૧૩૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટથી જીત મેળવી હતી. ભારતે નિર્ધારિત ૨૬ ઓવરમાં ૯ વિકેટે ૧૩૬ રન બનાવ્યા હતા. જો કે, DLS નિયમ હેઠળ, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૧૩૧ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક માત્ર ૨૧.૧ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
ODI સીરિઝની બીજી મેચ ગુરુવાર, ૨૩ ઓક્ટોબરના રોજ એડિલેડમાં રમાશે. શુભમન ગિલની ODI કેપ્ટન તરીકેની આ પહેલી ODI મેચ હતી. પેટ કમિન્સની ગેરહાજરીમાં મિશેલ માર્શે ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.
આ મેચમાં બે ભારતીય અનુભવી ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ મેદાનમાં ઉતર્યા હતા. જો કે, આ વાપસી રોહિત અને કોહલી માટે યાદગાર ન હતી.
જણાવી દઈએ કે વરસાદને કારણે મેચ ૨૬-૨૬ ઓવરની કરવામાં આવી હતી. લક્ષ્યનો પીછો કરતા, કાંગારૂઓને પહેલો ફટકો અર્શદીપ સિંહ દ્વારા આપવામાં આવ્યો હતો. તેણે ટ્રેવિસ હેડને હર્ષિત રાણાના હાથે કેચ કરાવ્યો, જે ફક્ત ૮ રન બનાવી શક્યો. ત્યારબાદ કાંગારૂ કેપ્ટન મિશેલ માર્શે અણનમ ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયા માટે મજબૂત ઈનિંગ રમી. માર્શે ૫૨ બોલમાં ૪૬* રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
જોશ ફિલિપ (૩૭ રન) અને મેથ્યુ રેનશો (૨૧*) એ પણ માર્શને સારો સાથ આપ્યો.
આ સાથે વિરાટ કોહલીએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો. ઓસ્ટ્રેલિયામાં ODIમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હોય તેવી આ પહેલી ઘટના છે. મિશેલ સ્ટાર્ક બીજા બોલર છે જેણે વિરાટ કોહલીને ODIમાં બે વાર શૂન્ય પર આઉટ કર્યો છે. સ્ટાર્ક પહેલા ફક્ત જેમ્સ એન્ડરસને જ આ સિદ્ધિ મેળવી હતી.
કેપ્ટન શુભમન ગિલ પણ ૧૦ રન બનાવીને નાથાન એલિસની બોલિંગમાં ફિલિપના હાથે કેચ થમાવી બેઠો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર ૨૫ રનમાં ૩ વિકેટ થઈ ગયો હતો.
બંને ટીમોની પ્લેઇંગ-૧૧:
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ફિલિપ (વિકેટકીપર), મેથ્યુ રેનશો, કૂપર કોનોલી, મિચેલ ઓવેન, મિચેલ સ્ટાર્ક, નાથન એલિસ, મેથ્યુ કુહ્નમેન અને જોશ હેઝલવુડ.




