
IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) IPL 2025 ની 12મી મેચમાં 31 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. આ સિઝનમાં મુંબઈનો આ પહેલો ઘરઆંગણેનો મુકાબલો હશે, જ્યાં તે પોતાની પહેલી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. મુંબઈએ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં બે મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, કોલકાતા પોતાની જીતની લય જાળવી રાખવા માંગશે. તેણે સિઝનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હાર સાથે કરી હતી પરંતુ છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવીને શાનદાર વાપસી કરી હતી. જોકે, વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા માટે જીત સરળ નહીં હોય, કારણ કે અહીં તેનો રેકોર્ડ સારો રહ્યો નથી. અત્યાર સુધી, KKR વાનખેડે ખાતે મુંબઈ સામે ફક્ત બે વાર જીત્યું છે.
કોલકાતાના બેટ્સમેન માટે, ખાસ કરીને રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ માટે વાનખેડે સ્ટેડિયમ એક મોટો પડકાર હશે. આ બંને અનુભવી ખેલાડીઓ RCB સામેની પહેલી મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા, જ્યારે બીજી મેચમાં તેમને બેટિંગ કરવાની તક પણ મળી ન હતી. હવે રિંકુ સિંહ ત્રીજા મેચમાં વિસ્ફોટક ઇનિંગ્સ રમવા માટે તૈયાર હશે. આ ઉપરાંત, તેની પાસે કેટલાક ખાસ રેકોર્ડ બનાવવાની પણ તક હશે.