
પંતે ગિલની ફિટનેસ અંગે અપડેટ આપ્યું શુભમન સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ બોડી તેને સાથ આપી રહી નહોતી શુભમન ગિલ આ ટેસ્ટ મેચ રમવા માટે ઉત્સુક હતો, તે ચોક્કસપણે મજબૂત વાપસી કરશે : કેપ્ટન રિષભ પંત
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા તેના નિયમિત કેપ્ટન શુભમન ગિલ વિના મેદાનમાં ઉતરી હતી. ગિલ સંપૂર્ણપણે ફિટ નથી અને પરિણામે રિષભ પંતને બીજી ટેસ્ટમાં ટીમની કમાન સોંપવામાં આવી છે.
પંત ટોસ જીતવામાં પણ નિષ્ફળ ગયો અને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો. પંતે ગિલની ઈજા અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ આપ્યું. તેણે કહ્યું કે શુભમન બીજી ટેસ્ટમાં રમવા માંગતો હતો, પરંતુ તેની બોડી તેને સાથ આપી રહી નહોતી.
ટોસ સમયે પંતે BCCIનો આભાર માન્યો કે તેને તેની પ્રથમ ટેસ્ટ કેપ્ટનશીપ આપી. તેણે કહ્યું, “દેખીતી રીતે, આ મારા માટે એક ખાસ ક્ષણ છે. એક ક્રિકેટર તરીકે તમે હંમેશા તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગો છો. હું BCCIનો મને આ તક આપવા બદલ આભાર માનું છું. મેં તેના વિશે બિલકુલ વિચાર્યું નહોતું, પરંતુ તમે આવી તક બંને હાથે ઝડપી લેવા માંગો છો.”
જ્યારે પંતને ગિલની ઈજા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “શુભમન ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. તે આ ટેસ્ટ મેચ રમવા માટે ઉત્સુક હતો, પરંતુ તેની બોડી તેને સાથ આપી રહી નહોતી. તે ચોક્કસપણે મજબૂત વાપસી કરશે.” નોંધનીય છે કે ગિલને પહેલી ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે ગરદનમાં દુખાવો થયો હતો, જેના પછી તે મેદાન છોડીને ગયો હતો. MRI બાદ તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.




