
PBKS vs CSK: IPL 2025 ની 22મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 12 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, પંજાબે પ્રિયાંશ આર્યની સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા. જવાબમાં, CSK ટીમ 5 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 201 રન જ બનાવી શકી. ટીમ તરફથી ડેવોન કોનવેએ 69 રન અને શિવમ દુબેએ 42 રન બનાવ્યા. છેલ્લી ઓવરોમાં, ધોનીએ 12 બોલમાં 27 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. આ સિઝનમાં ચેન્નાઈનો આ સતત ચોથો પરાજય છે.
ચેન્નઈની મજબૂત શરૂઆત
૨૨૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સારી રહી. રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી. રચિન 23 બોલમાં 36 રન બનાવ્યા બાદ મેક્સવેલનો શિકાર બન્યો. સુકાની રુતુરાજ ગાયકવાડ ફરી એકવાર બેટિંગમાં નિષ્ફળ ગયો અને માત્ર એક રન બનાવીને આઉટ થયો. આ પછી શિવમ દુબે અને કોનવેએ મળીને ત્રીજી વિકેટ માટે 51 બોલમાં 89 રન જોડ્યા. શિવમની ઇનિંગ્સનો અંત લોકી ફર્ગ્યુસનના ક્લીન બોલ્ડ સાથે થયો. કોનવે 49 બોલમાં 69 રન બનાવીને રિટાયર્ડ આઉટ થયો. છેલ્લી ઓવરોમાં, એમએસ ધોનીએ કેટલાક શક્તિશાળી શોટ રમ્યા અને 12 બોલમાં 27 રન બનાવ્યા. જોકે, તે ટીમને જીત તરફ દોરી શક્યો નહીં.