
આમ આદમી પાર્ટીના ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ખોટી જાહેરાતો અને તાયફાઓ કરી ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર ગુજરાતની ભાજપ સરકારે ફરી એક વાર ખોટી જાહેરાત કરી ફરીથી એક નવો રેકોર્ડ બનાવવાનું કામ કર્યું. ગુજરાતમાં મોટાભાગે ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે ગુજરાતની ભાજપ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની અને 10,000 કરોડની સહાયની જાહેરાત કરી દીધી. પરંતુ વાસ્તવમાં ગુજરાતના અનેક ખેડૂતો આ સહાયથી વંચિત રહ્યા છે.
વધુમાં AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, એનાથી પણ એનાથી પણ વધારે ચોંકાવનારી બાબત એ છે કે એક લાખથી વધારે ખેડૂતો તો એવા છે જે ખેડૂતોએ ટેકાના ભાવે સરકારને મગફળી આપી તો દીધી અને હજુ સુધી સરકારે એમને રકમ ચૂકવી નથી. કૃષિ મંત્રીએ સાત દિવસમાં પૈસાનું ચુકવણું કરવાનું કહ્યું હતું પરંતુ આજે 75 દિવસ થયા હોવા છતાં પણ ગુજરાતના એક લાખથી વધારે ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવ્યા નથી. ત્યારબાદ પ્રવીણ રામે કટાક્ષમાં કહ્યું કે “આ ચુકવણું ન કરીને ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરીને નવો રેકોર્ડ બનાવનાર ભાજપની સરકારને અભિનંદન પાઠવું છું.” ત્યારબાદ તેમણે માંગ કરી હતી કે, હું આમ આદમી પાર્ટી વતી ગુજરાતની સરકાર સમક્ષ માંગણી પણ કરું છું કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતોની મગફળી લેવામાં આવી છે અને એમને ચુકવણું કરવામાં આવ્યું નથી એ તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે પૈસા ચૂકવી દેવામાં આવે.




