
વધુ એક ઠગાઈનો કિસ્સો અમદાવાદના દંપતી સાથે સોનાના બિસ્કીટ આપવાના નામે ઠગાઈ બોરસદના નાપા ગામે બોલાવી એન્ટીક રૂપિયો અને સોનાના બિસ્કીટના નામે રૂ.૪૬.૮૭ લાખની છેતરપિંડી કરનાર ૬ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો અમદાવાદના દંપતીને એન્ટીક રૂપિયો અને સસ્તા ભાવે સોનાના પાંચ બિસ્કીટ આપવાની લાલચ આપીને બોરસદના નાપા ગામના ફાર્મ હાઉસ ખાતે બોલાવી ૬ શખ્સોએ ભેગાં મળીને રૂ. ૪૬,૮૭,૫૦૦ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ બોરસદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં રહેતાં અંજનાબેન ઉર્ફે અંજલી પરીક્ષીતભાઈ પટેલ અમદાવાદ ખાતે અંજની નિધિ લિ. અને અંજની મલ્ટીબેઝ લિ. નામની કંપની પતિ સાથે મળીને ચલાવે છે. એક વર્ષ અગાઉ તારીખ ૧૫/૭/૨૦૨૫ના રોજ અંજનાબેને ફેસબુક એકાઉન્ટ ઉપર પોતાના ધંધાના માર્કેટીંગ માટે મૂકેલ પોસ્ટર જાેઈને રાજકોટ ખાતે રહેતાં રાજુ ધોળકીયા નામના શખ્સે તેમનો સંપર્ક કર્યાે હતો અને તેણે અમારે ઘણું દેવુ થઈ ગયું છે અને અમારે પૈસાની જરૂરીયાત છે. તેમ જણાવીને એન્ટીક એક રૂપિયાનો ફોટો અંજનાબેનને વોટસએપ પર મોકલી આપ્યો હતો.
તેણે જણાવ્યું હતુ કે, આ એન્ટીક રૂપિયામાંથી કરોડો રૂપિયા કમાઈ શકશો. જેથી અંજનાબેને એન્ટીક રૂપિયો આપવાની વાત કરતાં તેણે રૂ.૧ લાખ થશે તેમ કહ્યું હતું. જેથી ગુગલપે થી રૂ.૮૭,૫૦૦ તેને મોકલી આપ્યાં હતાં. તેમ છતાં પણ તેણે એન્ટીક રૂપિયો મોકલી આપ્યો નહોતો.ત્યારબાદ તેણે રાજુભાઈ નામના શખ્સનો ફોન નંબર મોકલી આપ્યો હતો અને જણાવ્યું હતુ કે, જાે તમારે પૈસાની તકલીફ હોય, તો આ ભાઈ તકલીફ દુર કરવામાં મદદરૂપ થશે. જેથી અંજનાબેને આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા રાજુ કચ્છી પટેલ (રહે.નાપા.તા. બોરસદ) નો સંપર્ક થયો હતો. તેણે સસ્તા ભાવે સોનું જાેઈતું હોય, તો નાપા ખાતે આવેલા ફાર્મહાઉસ ઉપર આવી જવાનું કહ્યું હતુ. જેથી દંપતી તારીખ ૧૭/૯/૨૦૨૫ના રોજ બોરસદના નાપા ખાતે આવ્યા હતા. જ્યાં ફાર્મ હાઉસ પર રાજુ કચ્છી પટેલ મળ્યો હતો. તેણે રૂ.૧.૨૫ લાખ લઈને ૧૦ ગ્રામ સોનાનો બિસ્કીટ આપ્યોં હતો. જેની ખરાઈ કરતાં તે અસલી નીકળ્યું હતું. ત્યારબાદ બીજા સોનાના બિસ્કીટ લેવા હોય તો રૂ.૯ લાખનો ભાવ નક્કી કર્યાે હતો. અંજનાબેને પાંચ સોનાના બિસ્કીટનો ઓર્ડર આપ્યો હતો. જે પેટે થતાં રૂ.૪૫ લાખમાંથી રૂ. ૨૫ લાખ એડવાન્સમાં આપવાની વાત કરી હતી. ત્યારબાદ રાજેશ ઉર્ફે રાજુ ધોળકીયાએ મેઈન સાહેબ સાથે વાત કરાવવાનું જણાવીને કોઈ વિક્રમભાઈએ ફોન કરીને રૂ.૧૦ લાખ મોકલી આપો, તમને ક્રેડિટ મળશે તેમ જણાવ્યુ હતુ. જે રકમ આંગડીયા મારફતે ભુજ ખાતે સાલેમભાઈને મોકલી આપ્યા હતા. ત્યારબાદ રાજુ ધોળકીયાએ વોટ્સેપ પર ફોન કરીને તમારો ઓર્ડર પ્રોસેસમાં છે તેમ જણાવીને બીજા રૂપિયાની માંગણી કરી હતી. તારીખ ૪/૧૧/૨૦૨૫ના રોજ નાપા ખાતે રાજુભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે જઈને રૂ ૫ લાખ રોકડા આપ્યાં હતાં. તારીખ ૧૩/૧૧/૨૦૨૫ના રોજ સુરત ખાતે રહેતા સાજીદને આંગડીયા મારફતે રૂ. ૩ લાખ મોકલી આપતાં વિક્રમભાઈએ વોટ્સ એપ ઉપર ફોન કરીને તમારો ઓર્ડર આવી ગયો છે બાકીનું પેમેન્ટ આપીને લઈને આવી જાવ તેમ જણાવીને સામખીયારી ગામે અજંતા હોટલ ખાતે બોલાવ્યાં હતાં.અંજનાબેન પોતાના પતિ સાથે રોકડા રૂ. ૨૮ લાખ લઈને સામખીયારી ગયા હતા. જ્યાં વિજયભાઈ પટેલ અને એક અજાણ્યો શખ્સ આવીને રૂ.૨૮ લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયાં હતાં. આ અંગે બોરસદ રૂરલ પોલીસે રાજકોટના રાજેશ ઉર્ફ રાજુ રાહાભાઈ ધોળકીયા, નાપાના રાજુ કચ્છી પટેલ સહિત ૬ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





