(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાએ ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-m-૧૧૮- ઝ.૧, તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ મુજબ વર્ગ-૪ માં સ્વીપર, અને અન્ય વર્ગ ચારની જગ્યાઓ ભરવા ઉપર રોક લગાવી,આવી જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.આમ કરી ગુજરાત રાજ્યમાં વર્ગ-૪ની જગ્યાઓની ભરતી કરવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. સુરત મહાનગરપાલિકાએ સામાન્ય સભાના ઠરાવથી તમામ વર્ગ ચાર ની જગ્યાઓ સરકારશ્રીના ઉપરોક્ત ઠરાવ મુજબ સુરત મહાનગરપાલિકાએ સામાન્ય સભાના ઠરાવ નં.૪૬૭/૨૦૨૨, તા.૨૭/૦૭/૨૦૨૨ થી ખાલી જગ્યાઓ કોન્ટ્રાક્ટથી ભરવા ઠરાવ કરેલ છે. જો કે રાજ્ય સરકારના ઠરાવમાં મહાનગરપાલિકાએ જે સફાઈ કામદારો, બેલદારોની જગ્યાઓ નહીં ભરવા કોઈ ચોક્કસ આદેશ કરેલ નથી.તેમ છતાં સુરત મહાનગરપાલિકાએ આ જગ્યાઓ કોન્ટ્રાક્ટથી ભરવાની અને તે અંગે જુદા-જુદા ઝોનોમાંથી રિક્રુટમેન્ટ દ્વારા માહિતી મંગાવવામાં આવેલ છે. આમ કરી સુરત મહાનગરપાલિકા ચોક્કસ કોન્ટ્રાક્ટરોના લાભાર્થે સફાઈ કામદાર, સફાઈ કામદાર (ડ્રેનેજ), બેલદાર, બેલદાર (વી.બી.ડી.સી) ની જગ્યાઓ કોન્ટ્રાક્ટથી ભરવાના ચક્રો ગતિમાન કરેલ છે.
જો આ જગ્યાઓ કોન્ટ્રાક્ટથી ભરવામાં આવે તો, આ જગ્યાઓ ઉપર કામગીરી કરતા જે સફાઈ કામદારોના પરિવાર નિર્ભર છે, એવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના પરિવારો આર્થિક રીતે ઘણીજ મુશ્કેલીમાં આવી જશે. જેનાથી તેમના જીવન પૂરતા રોજગારના અભાવે બરબાદ થઈ જશે.જેનો સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ સખત વિરોધ કરે છે. સુરત મહાનગરપાલિકામાં હાલમાં કોન્ટ્રાક્ટ હેઠળ સફાઈ કામદારો,બેલદારોની ભરતી કરવામાં આવે છે અને આવા કર્મચારીઓ દીઠ ૧૯,૫૦૦/- રૂપિયા મહિને સુરત મહાનગરપાલિકા દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટના આવા કર્મચારીઓને રૂપિયા ૯૦૦૦/- ચૂકવે છે. આમ સુરત મહાગરપાલિકાના કોન્ટ્રાક્ટરો, કોન્ટ્રાક્ટના કર્મચારીઓને મળતા નાણાં કરતા વધુ નાણાં કોન્ટ્રાક્ટરો લઈ જાય છે. આ રીતે કોન્ટ્રાક્ટર કર્મચારીઓનું ભારે શોષણ કરે છે. આ હકીકત સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા પણ સ્વીકારવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકામાં સફાઈની કામગીરી સાથે વાલ્મીકી સમાજ, નાડિયા સમાજ અને મેઘવાળ સમાજ હાલ કામગીરી કરી રહેલ છે. જો કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામગીરી શરૂ કરવામાં આવશે તો, આ સમાજના યુવાન, યુવતીઓને ભારે આર્થિક નુકશાની ભોગવવાનો સમય આવશે અને આ સમાજ રસ્તા ઉપર આવી જશે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૪ માં આઉટસોર્સિંગથી કામગીરી લેવાના ઠરાવો કરેલ છે.તેમ છતાં સુરત મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૭ માં સફાઈ કામદારો, બેલદારોની ભરતી કરવામાં આવેલ છે. ત્યારે અત્યારે અચાનક એવી શું પરિસ્થિતિ સર્જાઈ કે સુરત મહાનગરપાલિકાએ કાયમી ભરતી બંધ કરવાનો નિર્ણય લેવાની જરૂરિયાત ઉભી થયેલ છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમનો અમો કર્મચારી મહામંડળ સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કોઈ સમાજના શોષણના ભોગે આઉટસોર્સિંગનો અમલ થાય એ વાજબી નથી.સફાઈ કર્મચારીઓની કામગીરીના કારણે સુરત મહાનગરપાલિકાને છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર ભારત ભરમાં પહેલો નંબર મળેલ છે.જેના કારણે સુરત શહેરનું નામ સમગ્ર ગુજરાત રાજ્ય,ભારત અને દેશ-વિદેશમાં વિખ્યાત થયેલ છે.આ સંજોગોને લક્ષમાં લઈને સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર,બેલદારોની જગ્યા આઉટસોર્સિંગથી નહીં ભરવા માટે રાજ્ય સરકારના ઠરાવનો અમલ સફાઈ કામદાર,બેલદારો પુરતો રદ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદન પત્ર સુરત જિલ્લા કલેક્ટર તેમજ સુરત શહેરના મેયર ને તા.૨૪/૦૯/૨૦૨૬ ના રોજ આપવામાં આવેલ છે. આવેદન પત્ર આપવા કર્મચારી મહામંડળના હોદ્દેદારો દલિત સમાજના સંતો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર છડીનં.૧ ના પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, વિજયભાઈ સુરતી, સુભાષભાઈ ઝાડે, સંતોષ અવધૂત સુરવાડે, રમેશભાઈ સોલંકી, દિલિપભાઈ સોલંકી, જગદીશભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, જયંતિભાઈ વાઘેલા, શશિકાંતભાઈ સોલંકી, રવિકુમાર સુરતી, કિરીટભાઈ વાઘેલા, હરીશભાઈ રાઠોડ, ગિરીશભાઈ સુરતી, કાંતિભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ પ્રજાપતિ, ઉમેશભાઈ હાંસોટી, મહેશભાઈ પટેલ, મોહંમદ ઇકબાલ શેખ અને સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.




