આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભાજપ અને કોંગ્રેસ બંનેએ સાથે મળીને આમ આદમી પાર્ટીના પાંચ સભ્યો (ઉમેદવારો) ઉપર દબાણ કર્યું, તેમને હાઈજેક કર્યા, તેમની ઉપર પ્રેશર બનાવ્યું અને તેમના ફોર્મ પરત ખેંચાવવાનું કાવતરું કર્યું છે. ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને આ કાવતરું એટલા માટે કર્યું છે કારણ કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે કોઈનાથી મેનેજ ન થાય અને કોઈનાથી ડરે નહીં. અગાઉ પણ જ્યારે ઉમેદવારોએ જીત મેળવી ત્યારે તેઓ સતત આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના બે ઉમેદવારો ભાજપમાં જતા રહ્યા હતા.
પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે, તેનો સીધો મતલબ એ છે કે કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને આખું પ્લાનિંગ કરી રહ્યા છે. આજે એ વાત સાબિત થઈ ગઈ કે બંનેએ સાથે મળીને આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારોને હાઈજેક કરી, દબાણ બનાવી અને તેમના ફોર્મ પરત ખેંચાવવાનું કાવતરું પાર પાડ્યું છે. ત્યારે ગાંધીનગરની જનતાને અપીલ છે કે લોકશાહીનું ગળું દબાવી દેવાનું કામ આ કોંગ્રેસ અને ભાજપે કર્યું છે, માટે આ ચૂંટણીની અંદર તેમને જડબાતોડ જવાબ આપજો. આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો પૂરી તાકાતથી આ લડાઈની અંદર ઉતર્યા છે, તેમને ગાંધીનગરના તમામ લોકો આશીર્વાદ આપે અને પૂરી તાકાતથી જીતાડે. અમે આપને વિશ્વાસ આપીએ છીએ કે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારો ચોક્કસથી તમારા માટે આવનારા દિવસોની અંદર કામ કરશે.




