ઉત્તર પ્રદેશની હચમચાવતી ઘટના હનુમાનજીના મંદિરમાં બે સાધુઓને બાંધીને જીવતા સળગાવી દેવાયા મંદિરની જમીનના વિવાદમાં સુમિત સિંહ નામના વ્યક્તિએ તેમને બાંધીને આગ લગાડી હોવાની આશંકા ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા હનુમાન મંદિરમાં રહીને પૂજા અને મંદિરની સેવા કરતાં બે વૃદ્ધોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બંને વૃદ્ધોને અલગ-અલગ બાંધીને આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટના બુધવારે મોડી રાત્રે લગભગ ૧ વાગ્યે બની હોવાની આશંકા છે. મૃતકોની ઓળખ ગોપાલ દાસ અને મોટા દાસ તરીકે થઈ છે. મોટા દાસ દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે હનુમાન મંદિર જે જમીન પર આવેલું છે, તેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મંદિર સુમિત સિંહના પરિવારની જમીન પર આવેલું છે. જમીન પર કબજાે મેળવવા બાબતે બંને વૃદ્ધો સાથે સુમિતનો વિવાદ ચાલતો હોવાની માહિતી સામે આવી છે. ગામલોકોના જણાવ્યા પ્રમાણે, બુધવારે રાત્રે સુમિત ગામમાં ફરતો હતો. ત્યારબાદ તે હનુમાન મંદિર પહોંચ્યો હતો. અહીં બંને વૃદ્ધો સાથે તેનો ઝઘડો થયો હતો. આ પછી સુમિતે બંને વૃદ્ધો સાથે મારપીટ કરી હોવાનો અને તેમને અલગ-અલગ બાંધી દીધા હોવાની શક્યતા છે. ત્યારબાદ મંદિર પરિસર અને આસપાસથી લાકડાં ભેગાં કરીને બંનેને આગ ચાંપી દીધી હોવાની શક્યતા છે. આગમાં ગંભીર રીતે દાઝી જવાથી બંને વૃદ્ધોના મોત થયા હતા.
ગામલોકોના જણાવ્યા પ્રમાણે સુમિત સિંહ આશરે બે મહિના પહેલાં જેલમાંથી બહાર આવ્યો હતો. તેની સામે કાર સળગાવવા અને એસસી-એસટી ઍક્ટ સહિતના અનેક કેસ નોંધાયેલા છે. અગાઉ પણ તેના પર આગ લગાવવાની કેટલીક ઘટનાઓમાં સામેલ હોવાના આક્ષેપ થયા હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. જાેકે, સુમિત સામે નોંધાયેલા અગાઉના કેસો અને હાલની ઘટનામાં તેની ચોક્કસ ભૂમિકા અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે. બે વૃદ્ધોને મંદિર પરિસરમાં જીવતા સળગાવી દેવાની ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મંદિરની જમીનને લઈને ચાલી રહેલા વિવાદની સાથે ઘટનાની રાત્રે બંને વૃદ્ધો અને સુમિત વચ્ચે શું બન્યું હતું, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હાલ ઘટનામાં સામેલ વ્યક્તિઓ, આગ લગાડવાની રીત અને જમીનના વિવાદ સાથે ઘટનાનો સીધો સંબંધ છે કે નહીં, તે અંગે માહિતી એકત્ર કરી રહી છે.




