આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજરોજ મને જાણ થઈ છે કે સરકાર દ્વારા છેલ્લા 25 વર્ષના વિકાસને લોકો સુધી પહોંચાડવા માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ ની શરૂઆત કરવામાં આવી છે. મારું માનવું છે કે તમારે જેટલા અભિયાન શરૂ કરવા હોય કરો અને કાગળ પરના વિકાસ જેટલા બતાવવા હોય એટલા બતાવો પરંતુ આ વસ્તુમાં તમે AMC ની સરકારી શાળાના બાળકોને શા માટે જોડાવા માટે પ્રેશર કરો છો? શા માટે અલગ અલગ ઝોનની અલગ અલગ શાળાઓને બોલાવો છો? તમે કોઈ AI માં મોટું ઈનોવેશન કર્યું હોય, સ્કૂલોને લઈને કોઈ મોટું ઇનોવેશન કર્યું હોય અને સરકારી શાળાઓમાં સારી સુવિધાઓ આપવાના હોય, એ બતાવવા માટે બાળકોને બોલાવતા હોવ તો અલગ છે, પરંતુ વારંવાર તાયફાઓમાં આ રીતે બાળકો બોલાવો છો, શિક્ષકોને બોલાવો છો, આ વસ્તુના કારણે બાળકોનું ભણતર બગાડવાનું કામ તમે લોકો કરી રહ્યા છો.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે, હું શિક્ષક સંઘને પણ કહેવા માગું છું કે થોડા દિવસ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અલગ અલગ શાળાઓમાં જઈને સ્કૂલોની ખરાબ સ્થિતિ વિશે બતાવતા હતા, ત્યારે શિક્ષક મંડળના અમુક લોકોએ ફરિયાદ કરી હતી કે બાળકોનું ભણતર બગડે છે. અને જ્યારે આજે 25 વર્ષના નકલી વિકાસ બતાવવા માટે બાળકોને મોકલવામાં આવે છે ત્યારે આ શિક્ષક સંઘ શા માટે કંઈ બોલતું નથી? હું અપીલ કરવા માંગુ છું કે તમારા તાયફાઓમાં અને નકલી વિકાસમાં બાળકોને ભેળવશો નહીં, નહિતર આગામી સમયમાં જ્યાં જ્યાં આ રીતના પ્રોગ્રામ થશે અને બાળકોને મોકલવામાં આવશે ત્યાં ત્યાં આમ આદમી પાર્ટી વિરોધ કરશે અને ગુજરાતની જનતા સુધી મેસેજ પહોંચાડશે કે આ લોકોને બાળકના ભણતર સાથે કંઈ લેવાદેવા નથી. આ લોકોને ગુજરાતના બાળકો આગળ આવે, ભણીગણીને ડોક્ટર – એન્જિનિયર બને એમાં રસ નથી પરંતુ ફક્ત અને ફક્ત પોતાનો નકલી વિકાસ લોકો સુધી પહોંચે અને એમની વાહ વાહ થાય એમાં જ એમને રસ છે.




