સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ સરકારી યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે કે કોઈ પૂર્વ કુલપતિ વિરૂદ્ધ સત્તાવાર રીતે જાહેર ફરિયાદ મંગાવવામાં આવી હોય
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. સરકારી યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે કે કોઈ પૂર્વ કુલપતિ વિરૂદ્ધ સત્તાવાર રીતે જાહેર ફરિયાદ મંગાવવામાં આવી હોય. ઇન્ચાર્જ કુલપતિના આદેશથી આ અંગેની એક જાહેર નોટિસ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે, જેના હેઠળ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પૂર્વ કુલપતિ સામે પોતાની ફરિયાદ કે રજૂઆત નોંધાવી શકશે. નોંધનીય છે કે અગાઉ પણ પૂર્વ કુલપતિ સામે અસંખ્ય આરોપો લાગ્યા હતા, પરંતુ તે સમયે કોઈ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી નહોતી.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપ અને નાણાકીય ગેરરિતીની ફરિયાદોને લઈને ઈન્ચાર્જ કુલપતિએ હાઈકોર્ટના પૂર્વ જજને તપાસ સોંપી છે. ત્યારે યુનિવર્સિટીએ આ તપાસ અંતર્ગત જાહેરમાં ફરિયાદો- રજૂઆતો મંગાવી છે. પ્રથમવાર માત્ર ગુજરાત યુનિવર્સિટીના જ ઈતિહાસમાં નહીં પણ સરકારી યુનિવર્સિટીઓના ઈતિહાસમાં આવી પ્રથમ ઘટના છે. કારણ કે પૂર્વ કુલપતિ સામે કઈ પણ વ્યકિત કે સંગઠન રજૂઆત કરી શકે તે પ્રકારનો આ જાહેર ફરિયાદ મંચનો તખ્તો પ્રથમવાર ગોઠવાયો છે.
ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકાયેલી એક પબ્લિક નોટિસે હાલ યુનિવર્સિટી કેમ્પસ સહિત સમગ્ર ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે. યુનિવર્સિટી તરફથી નોટિસ અપાઈ છે કે ૧ જુલાઈ ૨૦૨૩થી ૩૦ જૂન ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન થયેલા ખર્ચ, નિમણૂંકો અને પ્રોજેક્ટસ તેમજ અન્ય સંદર્ભે સત્ય શોધક સમિતિ તરફથી નિવૃત જજની અધ્યક્ષતામાં કાર્યવાહી શરૂ કરાઈ છે. જેથી આ બાબતે કોઈ પણ વ્યકિત, સંસ્થા કે સંગઠનની કોઈ પણ રજૂઆત હોય તો લેખિતમાં આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ સાથે યુનિ.ના અટલ કલામ બિલ્ડીંગ ૩૦ ઓક્ટો. સુધીમાં રૂબરૂમાં આપવામાં જણાવવામાં આવે છે.
નોટિસમાં જણાવ્યા પ્રમાણે હાલના ઈન્ચાર્જ કુલપતિના આદેશથી આ નોટિસ અપાઈ છે. આ નોટિસને લઈને એવી ચર્ચા જાગી છે કે ઈન્ચાર્જ કુલપતિએ આવી નોટિસ આપવાની જરૂર કેમ પડી.
યુનિવર્સિટીમાં જ તમામ હિસાબો અને રેકોર્ડ ઉપલબ્ધ છે. અગાઉ યુનિવર્સિટીના ઈતિહાસમાં કોઈ પણ સરકારી યુનિ.ના ઈતિહાસમાં ક્યારેય આ પ્રકારે પૂર્વ કુલપતિ સામે વર્તમાન કુલપતિ કે ઈન્ચાર્જ કુલપતિએ આ પ્રકારે નોટિસ અપાવી જાહેર ફરિયાદ મંચ ઉભુ કર્યું નથી.




