હવે એક બર્થ પર બે મુસાફરોને બેસવું નહીં પડે રેલવે RAC ટિકિટ સિસ્ટમ બંધ કરવા વિચારી રહી છે સંપૂર્ણ બર્થ વિના પૂરું ભાડું વસૂલવા સામે સવાલો ભારતીય રેલવેમાં મુસાફરોની સુવિધાને લઈને મોટો ફેરફાર થવાની શક્યતા છે. રેલવે દ્વારા દાયકાઓ જૂની RAC (Reservation Against Cancellation) ટિકિટ સિસ્ટમની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થાને બંધ કરવાના વિકલ્પ પર પણ વિચારણા થઈ રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જાે આ પ્રસ્તાવ અમલમાં આવે તો RAC ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને એક જ બર્થ અન્ય મુસાફર સાથે શેર કરવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે છે.
ટ્રેનમાં તમામ કન્ફર્મ બર્થ બુક થઈ ગયા બાદ મુસાફરોને RAC ટિકિટ આપવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ બે મુસાફરોને એક જ બર્થ ફાળવવામાં આવે છે. બંને મુસાફરોને બેસવાની જગ્યા મળે છે, પરંતુ અલગ-અલગ સંપૂર્ણ સૂવાની બર્થ મળતી નથી. જાેકે, બંને પાસેથી ટિકિટનું પૂરું ભાડું વસૂલવામાં આવે છે.
જાે કોઈ મુસાફર પોતાની કન્ફર્મ ટિકિટ રદ કરાવે તો RAC મુસાફરને ખાલી થયેલી બર્થ મળવાની શક્યતા રહે છે. પરંતુ કેટલીક વખત ચાર્ટ તૈયાર થયા પછી પણ RAC સ્ટેટસ યથાવત રહેતાં મુસાફરોએ આખી મુસાફરી દરમિયાન બર્થ શેર કરવી પડે છે.
RAC મુસાફરો પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલવામાં આવે છે, પરંતુ તેમને સંપૂર્ણ બર્થ મળતી નથી. આ મુદ્દે અગાઉ સંસદીય સમિતિ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
સમિતિએ રેલવેને આ વ્યવસ્થામાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી. અધિકારીઓના મતે, ડિજિટલ રિઝર્વેશન સિસ્ટમના સમયમાં જૂની RAC વ્યવસ્થાની જરૂરિયાત અને તેની ઉપયોગિતા અંગે ફરી વિચારણા કરવાની જરૂર છે. અગાઉ મેન્યુઅલ બુકિંગના સમયમાં ટિકિટ રદ થયા બાદ ખાલી બર્થનું સંચાલન કરવું મુશ્કેલ હતું, પરંતુ હવે ટેક્નોલોજીના કારણે આ પ્રક્રિયા વધુ સરળ બની છે.
RAC વ્યવસ્થામાં અજાણ્યા મહિલા અને પુરુષ મુસાફરોને એક જ બર્થ શેર કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. જેના કારણે મુસાફરોને અંગત સુવિધા અને સલામતીને લગતી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. આવી પરિસ્થિતિમાં ટિકિટ ચેકિંગ સ્ટાફ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડકારરૂપ બની શકે છે.
RAC સિસ્ટમ બંધ કરવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે મુસાફરોએ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ભારતીય રેલવે દ્વારા હજુ સુધી આ વ્યવસ્થા નાબૂદ કરવાનો કોઈ અંતિમ ર્નિણય જાહેર કરવામાં આવ્યો નથી. હાલ આ માત્ર વિચારણા અને સમીક્ષાનો વિષય છે. રેલવે તરફથી સત્તાવાર જાહેરાત થયા બાદ જ મુસાફરોને નવા નિયમો અંગે સ્પષ્ટતા મળશે.




