
ગ્રામિણ મહિલાઓ માટે સફળતાની નવી ઓળખ.દેશનો પ્રથમ ટ્રેડમાર્ક રૂરલ મોલ, આદિજાતિ મહિલાઓ માટે રોજગારીનો સશક્ત સ્ત્રોત.સુરતના માંડવી તાલુકાના વિસડાલીયા ગામે સ્થપાયેલો રૂરલ મોલ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે.ભારત અને ગુજરાત સરકાર ગ્રામીણ આદિજાતિ મહિલાઓને રોજગારી અને આર્ત્મનિભર બનાવવા માટે અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ કડીમાં, સુરતના માંડવી તાલુકાના વિસડાલીયા ગામે સુરત વન વિભાગ દ્વારા શરૂ કરાયેલો રૂરલ મોલ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે. આ મોલ આદિજાતિ સમુદાયને રોજગારીની તકો પૂરી પાડી, તેમને આર્ત્મનિભર બનાવી રહ્યો છે. વિસડાલીયા અને આસપાસના ૩૨ ગામોના ૩૦૦થી વધુ આદિજાતિ કારીગરો આ મોલ સાથે જાેડાયેલા છે.
વિસડાલીયા રૂરલ મોલમાં આદિજાતિ મહિલાઓએ મસાલા, પાપડ, બેકરી, હસ્તકળા, દાળ-મસાલા પ્રોસેસિંગ, આયુર્વેદિક ઉત્પાદનો અને મશરૂમ જેવા વ્યવસાયોમાં તાલીમ મેળવી આર્ત્મનિભરતા હાંસલ કરી છે. શરૂઆતમાં મોલે વાંસ આધારિત હસ્તકળા અને ફર્નિચર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાના કોટવાળીયા સમાજના લોકોને તાલીમ આપવામાં આવી. ૨૦૧૮ પછી મશરૂમ ખેતી, દાળ-મસાલા પ્રોસેસિંગ, બેકરી, ફ્લેવર વોટર અને કાચી ઘાણી તેલ જેવા નવા યુનિટ શરૂ થયા.
વિસડાલીયા રૂરલ મોલની સફળતા એટલી નોંધપાત્ર છે કે ૨૦૧૯માં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તેને દેશના ટોચના નવ ક્લસ્ટરમાં સ્થાન આપ્યું હતું. આ ઉપરાંત, ૨૦૨૨માં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ પણ આ મોલને મળ્યો છે. વાંસની હસ્તકળા અને ફર્નિચરથી કારીગરોને નવી ઓળખ મળી છે. અગાઉ આદિજાતિ પરિવારો પાસે રોજગારીના મર્યાદિત સાધનો હતા, પરંતુ હવે તેઓ તેમની હસ્તકળાની વસ્તુઓ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચી શકે છે.
માંડવી ફોરેસ્ટ ઓફિસર (નોર્થ રેન્જ) રવિન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ૨૦૧૩માં સુરત વન વિભાગે દેશમાં પ્રથમ વખત વિસડાલીયા ખાતે રૂરલ મોલ શરૂ કર્યો હતો. તેની સફળતા બાદ ૨૦૨૨-૨૩માં નેત્રંગ, છોટાઉદેપુર, ડેડિયાપાડા અને ડાંગમાં પણ આવા રૂરલ મોલ શરૂ થયા છે. ક્લસ્ટર હેડ વિનિતકુમારે જણાવ્યું કે, આ મોલ દ્વારા ૩૨ ગામોના ૩૦૦થી વધુ લોકોને રોજગારી મળી છે, અને દરરોજ ૫૦-૬૦ લોકો કામ કરવા આવે છે. કારીગરો અગાઉની તુલનામાં હવે ૬,૦૦૦થી ૨૨,૦૦૦ રૂપિયા સુધીની આવક મેળવે છે. ઉત્પાદનો મુંબઈ, દિલ્હી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચે છે.




