
ભાજપના મેન્ડેટથી મેનાબેન ભીલનો વિજય ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર આ ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે
ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં એક મોટો અને ચોંકાવનારો ઉલટફેર જાેવા મળ્યો છે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલા મેનાબહેન ભીલનો વિજય થયો છે. આ ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. પહેલા તો અગાઉ બિન હરીફ થયેલા પ્રકાશ દેસાઈએ અરુણસિંહ રાણાની અપક્ષ પેનલમાં સ્થાન મેળવ્યું હતું.
જે ડેરીના ચૂંટણી પરિણામોમાં પહેલેથી જ એક મોટો સંકેત હતો. પરંતુ સૌથી મોટો ટ્વિસ્ટ તો મુખ્ય બેઠક પર આવ્યો. જ્યાં મહેશ વસાવાની હાર થઈ. મેનાબહેન ભીલે મહેશ વસાવાને ૨૧ મતોથી હરાવી વિજય મેળવ્યો. જ્યારે ૬ મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામો આદિવાસી બહુમતીવાળા વિસ્તારમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે. જાેકે મહેશ વસાવા માટે સંપૂર્ણ નિરાશા નહોતી. તેમના સમર્થનવાળા બે ઝોન પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.
આ ઘટનાક્રમ દર્શાવે છે કે ડેરીના રાજકારણમાં મહેશ વસાવાની પકડ હજી પણ સંપૂર્ણપણે ઓછી થઈ નથી. પરંતુ ભાજપનું નેતૃત્વ અને સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. આ વિજય ભાજપના ઉમેદવાર મેનાબેન ભીલ માટે એક મોટી સિદ્ધિ છે. જેણે એક મજબૂત રાજકીય હરીફને હરાવી પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ પરિણામો ભવિષ્યમાં ભરૂચના રાજકારણની દિશા નક્કી કરી શકે છે.




