
ખેડૂતોની હાલત કફોડી બની.થરાદમાં ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની અછતથી લાઈનમાં લાગ્યા.વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે થાકી ગયેલા એક ખેડૂતને લાઈનમાં જ ચક્કર આવી ગયા.બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પોતાના પાક માટે તાત્કાલિક જરૂરી યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આજે વહેલી સવારથી જ ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની દુકાનો કે વિતરણ કેન્દ્રો બહાર લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા હતા. વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે થાકી ગયેલા એક ખેડૂતને લાઈનમાં જ ચક્કર આવી ગયા હતા, જેના કારણે ત્યાં હાજર અન્ય ખેડૂતોમાં ગભરાહટ ફેલાયો હતો.
ખેડૂતો દ્વારા ખાતરના વિતરણની વ્યવસ્થા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આ વિસ્તારમાં યુરિયા ખાતરની ગાડી માત્ર દર પાંચ દિવસે એક વખત જ આવે છે, જેના કારણે જથ્થો ખૂબ ઓછો પડે છે અને મોટાભાગના ખેડૂતોને ખાતર મળ્યા વિના જ પાછા ફરવું પડે છે. આ વિલંબને કારણે તેમનો પાક સમયસર ખાતર વિના રહી જાય છે, જે સીધો પાકના ઉત્પાદન પર અસર કરે છે. ખેડૂતોએ માગણી કરી છે કે ખાતરનો જથ્થો નિયમિત અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય, જેથી તેમને કલાકો સુધી લાઈનમાં ઊભા ન રહેવું પડે.
યુરિયા ખાતરની અછત અને વિતરણમાં થતી અનિયમિતતાને કારણે થરાદના ખેડૂતોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. ખાતરની લાઈનમાં ખેડૂતને ચક્કર આવવાની ઘટનાએ પણ તંત્રની બેદરકારી છતી કરી છે. ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. પાકની સિઝન પૂરજાેશમાં ચાલી રહી હોવાથી, જાે તાત્કાલિક ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં કરાય તો ખેડૂતોની મુશ્કેલી વધશે અને સંભવિતપણે મોટું આંદોલન પણ થઈ શકે છે.




