સુરત ખાતે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા ભવ્ય ‘નારી હુંકાર’ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ઉપપ્રમુખ રામ ધડુક, કોર્પોરેટર ધર્મેશ ભંડેરી, અસ્મિતા ધોરાજીયા તેમજ પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ અને કોર્પોરેટર રચના હીરપરા, મોનિકા ગુપ્તા, કાજલ ઘોઘારી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી 2700થી વધુ બહેનો આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ ‘નારી હુંકાર’ સંમેલનમાં જોડાઈ હતી. મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે યોજાયેલા આ સંમેલનમાં બહેનોએ એકસાથે ‘નારી હુંકાર’નો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આમ આદમી પાર્ટી મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, ‘નારી હુંકાર’ માત્ર એક સંમેલન નથી, પરંતુ ગુજરાતની બહેનોના સંકલ્પ અને શક્તિનો અવાજ છે. આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે ‘નારી હુંકાર’માં જોડાયેલી તમામ બહેનો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતની મહિલાઓ પોતાના પરિવાર અને સમાજની ચિંતા કરે છે અને આજે સૌથી મોટો પ્રશ્ન દારૂ અને ડ્રગ્સનો છે. તેથી ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવવાથી થશે. ‘નારી હુંકાર’નો આ અવાજ માત્ર સુરત પૂરતો સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતમાં ગૂંજશે.
આ પ્રસંગે ’આપ’ પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રી ભલે હર્ષ સંઘવી હોય, પરંતુ અહીં ઉપસ્થિત એક-એક મહિલા પોતાના ઘરની ગૃહમંત્રી છે. જે મહિલા પોતાના પરિવારને સંભાળી શકે છે, તે સમાજ અને રાજ્યમાં પણ મોટું પરિવર્તન લાવી શકે છે. ગુજરાતની મહિલાઓ આજે અનેક પડકારોનો સામનો કરી રહી છે અને આવનારા સમયમાં આ જ બહેનો ગુજરાતમાં પરિવર્તન માટે મહત્વની ભૂમિકા ભજવશે. ‘નારી હુંકાર’ના માધ્યમથી ગુજરાતની બહેનોએ પોતાના અધિકાર, સુરક્ષા અને સારા ભવિષ્ય માટે અવાજ ઉઠાવવાનો સંકલ્પ લીધો છે.
‘નારી હુંકાર’ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિએ ગુજરાતની રાજનીતિમાં મહિલાઓની વધતી ભાગીદારી અને પરિવર્તન માટેની તેમની પ્રતિબદ્ધતાનો સંદેશ આપ્યો હતો. સુરતથી ઉઠેલો આ ‘નારી હુંકાર’ હવે સમગ્ર ગુજરાતમાં પહોંચાડવા અને મહિલાઓને સંગઠિત કરીને જનહિતના મુદ્દાઓ પર મજબૂત અવાજ ઉઠાવવાનો સંકલ્પ આમ આદમી પાર્ટીના મહિલા વિંગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.





