
નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરની અછત સામે લોકોમાં રોષ.
મેઘરજની હોસ્પિટલમાં દર્દીઓ તો છે પણ ડોક્ટર નથી.હાલ હોસ્પિટલમાં બે ડોક્ટર વાર્ષિક કોન્ટ્રાક્ટ પર છે અને માત્ર એક જ કાયમી ડોક્ટર સેવા આપી રહ્યા છે.અરવલ્લી હોસ્પટિલમાં લાલિયાવાડી ચાલતી હોવાની ઘટના સામે આવી છે. મેઘરજમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સરકારી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. મેઘરજની હોસ્પિટલમાં દર્દી તો છે પણ ડોક્ટર નથી. કાયમી ડોક્ટર વિના સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત છે. સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં સ્પેશિયાલીસ્ટ ડોક્ટર અને નર્સિંગ સહિતનો પુરતો સ્ટાફ મુકવા માટે રજૂઆત કરાઈ છે.
મેઘરજમાં રોજના ચારસો જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોવા છતાં અનેક વિભાગોમાં ડોક્ટરોનો અભાવ દર્દીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. મેઘરજની સરકારી હોસ્પિટલમાં હાલ ગાયનેક,આંખ,ફિઝિશિયન અને બાળકોના વિભાગમાં કાયમી ડોક્ટરો નથી.આંખના ડોક્ટર તો મહિનામાં ફક્ત બે દિવસ જ શામળાજીથી આવે છે, જ્યારે બાળકોના ડોક્ટર સાંજે માત્ર ત્રણ કલાક માટે સેવા આપે છે. હાલ હોસ્પિટલમાં બે ડોક્ટર વાર્ષિક કોન્ટ્રાક્ટ પર છે અને માત્ર એક જ કાયમી ડોક્ટર સેવા આપી રહ્યા છે.હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ પણ પૂરતો ના હોવાથી સારવારની ગુણવત્તા પર પણ અસર પડી રહી છે. રેફરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જનની જગ્યા ન હોવાને કારણે અકસ્માતના કેસોમાં તાત્કાલિક સારવાર ન મળતાં, દર્દીઓને મોડાસા રિફર કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારોમાં વારંવાર અકસ્માત સર્જાતા હોવા છતાં સારવાર માટે લાંબો સમય બગડે છે.
તો બીજી બાજુ સગર્ભા મહિલાઓને પણ ફરજીયાત ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે આર્થિક બોજ સહન કરવો પડે છે. હોસ્પિટલમાં તાત્કાલિક કાયમી ડોક્ટરો અને પૂરતો સ્ટાફ મુકવામાં આવે તેવી માગ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.હવે જાેવાનું રહ્યું કે સરકાર આ ગંભીર પ્રશ્ન પર કઈ કામગીરી હાથ ધરે છે.




