મોઢું ઢાંકીને ખેલાડી સાથે ઝઘડવું ભારે પડ્યું જાણીતા ફૂટબોલર નેમાર જુનિયર પર ત્રણ મેચનો પ્રતિબંધ બ્રાઝિલની સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલની કાર્યવાહી; યલો કાર્ડના કારણે એક મેચનો પ્રતિબંધ પહેલેથી જ હતો, હવે વધુ બે મેચ નહીં રમી શકે
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરને મેદાન પર પ્રતિસ્પર્ધી ખેલાડી સાથે ઝઘડા દરમિયાન મોઢું ઢાંકવું ભારે પડ્યું છે. બ્રાઝિલની સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલે આ મામલે નેમાર પર બે મેચનો વધારાનો પ્રતિબંધ લગાવ્યો છે. યલો કાર્ડના કારણે અગાઉથી જ એક મેચનો પ્રતિબંધ લાગુ હોવાથી હવે તે કુલ ત્રણ મેચમાં રમી શકશે નહીં. આ ર્નિણયથી તેની ક્લબ સેન્ટોસની મુશ્કેલીઓ વધી શકે છે.
આ સમગ્ર ઘટના ૨૫ ઓક્ટોબરે બહિયા અને સેન્ટોસ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન બની હતી. મેચમાં પ્રતિસ્પર્ધી ખેલાડી સાથે બોલાચાલી અને ઝઘડા દરમિયાન નેમારે પોતાનું મોઢું ઢાંક્યું હતું. આ વર્તનને લઈને સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
અહેવાલ મુજબ, નેમારનું આ કૃત્ય ખેલાડીઓ વચ્ચેની આવી પરિસ્થિતિઓમાં મોઢું ઢાંકવા સંબંધિત પ્રોટોકોલનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે. આ પ્રોટોકોલ વિવાદાસ્પદ ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પાછળ રિયલ મેડ્રિડના સ્ટાર ખેલાડી વિનીસિયસ જુનિયર સાથે જાેડાયેલી અગાઉની ઘટના પણ ચર્ચામાં છે. અહેવાલ મુજબ, વિનીસિયસે એક મેચ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે પ્રતિસ્પર્ધી ખેલાડીએ જર્સીથી મોઢું ઢાંકીને તેની સામે જાતિવાદી ટિપ્પણી કરી હતી.
આવી ઘટનાઓ બાદ ખેલાડીઓ વચ્ચેના વિવાદ દરમિયાન મોઢું ઢાંકવાના વર્તનને લઈને પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો હતો. નેમારના કેસમાં આ નિયમના ઉલ્લંઘનને આધારે વધારાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
યલો કાર્ડના કારણે લાગેલા પ્રતિબંધને પગલે નેમાર ૨૮ ઓક્ટોબરે પાલ્મેરાસ સામેની મેચમાં રમી શક્યો નહોતો. હવે વધુ બે મેચનો પ્રતિબંધ લાગતાં તેની મેદાન પર વાપસી નવેમ્બરના અંત સુધી ટળી શકે છે.
જાેકે, નેમાર અને તેની ક્લબ સેન્ટોસ પાસે આ ર્નિણય સામે અપીલ કરવાનો વિકલ્પ છે. અપીલ બાદ પ્રતિબંધમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે સ્પષ્ટ થશે. હાલના ર્નિણયને કારણે સેન્ટોસે આગામી મેચોમાં પોતાના અનુભવી અને મહત્ત્વના ખેલાડી વિના મેદાનમાં ઊતરવું પડશે.




