૧૦૮ બૌદ્ધ સ્તૂપમાંથી ૭૬મો સ્તૂપ તેમના નામે સમર્પિત.ભૂટાન સરકારનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ સન્માન.ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીમાં બનાવાયા ૧૦૮ સ્તૂપ; ભૂટાનના રાજા અને કિરણ રિજિજૂએ તકતીનું કર્યું અનાવરણ.
ભારત અને ભૂટાન વચ્ચેના ગાઢ સંબંધોનું વધુ એક પ્રતીક સામે આવ્યું છે. ભૂટાન સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ સન્માન આપતાં ૧૦૮ બૌદ્ધ સ્તૂપમાંથી ૭૬મો સ્તૂપ તેમના નામે સમર્પિત કર્યો છે. જાંગચુબ ચોર્ટેન નામથી ઓળખાતા આ સ્તૂપને ભારત અને ભૂટાન વચ્ચેની મિત્રતા, આધ્યાત્મિક જાેડાણ અને સહિયારા સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે જાેવામાં આવે છે. આ સન્માન બદલ વડાપ્રધાન મોદીએ ભૂટાનના રાજા અને ત્યાંના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભૂટાનના રાજા અને નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન તેમના માટે ભાવુક કરી દેનારી ક્ષણ છે અને તેઓ તેને ભારતની જનતા વતી સ્વીકારે છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્તૂપ આવનારા સમયમાં ભારત અને ભૂટાન વચ્ચેના મજબૂત સંબંધો તેમજ બંને દેશોના સહિયારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની યાદ અપાવતો રહેશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ભૂટાનના ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીમાં એક વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન માત્ર છ કલાકમાં ૧૦૮ બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ૭૬મો જાંગચુબ ચોર્ટેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિને ભૂટાનના ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે જાેવામાં આવી રહી છે.
૭૬મા સ્તૂપને વડાપ્રધાન મોદીને સમર્પિત કરતી તકતીનું અનાવરણ ભૂટાનના રાજા અને ભારતના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂટાનના રાજા, રાણી ગ્યાલ્ત્સુએન, વડાપ્રધાન દાશો શેરિંગ તોબગે સહિત અનેક મહાનુભાવો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક પરંપરા મુજબ ડુંગચેન નામના પરંપરાગત વાદ્યના નાદ સાથે સ્તૂપોની સ્થાપના અને અભિષેકની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂના જણાવ્યા અનુસાર, ૧૦૮ બૌદ્ધ સ્તૂપોના નિર્માણમાં ૪૦ હજારથી વધુ સ્વયંસેવકો, બૌદ્ધ સાધુઓ અને કારીગરોએ ભાગ લીધો હતો. મધરાત બાદ શરૂ થયેલું નિર્માણ કાર્ય માત્ર છ કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ સામૂહિક રીતે ભાગ લઈને ધાર્મિક આસ્થા અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બૌદ્ધ ધર્મના મહત્ત્વપૂર્ણ પર્વ લ્હાબાબ દુચેનના અવસરે આ વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂટાનના રાજવી પરિવાર, સરકારના પ્રતિનિધિઓ, બૌદ્ધ સાધુઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદીને સમર્પિત કરવામાં આવેલો ૭૬મો બૌદ્ધ સ્તૂપ બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસ, સાંસ્કૃતિક જાેડાણ અને લાંબા સમયથી ચાલતા મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક બન્યો છે. ભારત અને ભૂટાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સાથે ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રે પણ સહયોગ રહ્યો છે. આ પહેલ બંને દેશો વચ્ચેના પરંપરાગત સંબંધોને વધુ ઉજાગર કરનારી ઘટના બની છે.




